દેશમાં કોવિડ મહામારી બાદ હાઇબ્રિડ વર્ક કલ્ચર યથાવત્ છે ત્યારે 78 ટકા કર્મચારીઓ (દર 10માંથી 8) પોતાના સહકર્મીઓ સાથે કામ કરવા તેમજ વધુ સામાજીક થવા ઓફિસ જવાનું પસંદ કરી રહ્યાં છે. લિન્કડઇનના રિપોર્ટ અનુસાર એક સમયે જ્યારે કર્મચારીઓ માટે ઓફિસમાં શારીરિક રીતે હાજર રહેવું અનિવાર્ય હતું ત્યારે સરવેમાં આવરી લેવાયેલા 78 ટકા કર્મચારીઓ હવે પોતાની મરજીથી ઓફિસ જવાનો ટ્રેન્ડ અપનાવી રહ્યાં છે. ગત વર્ષની તુલનાએ 86 ટકા પ્રોફેશનલ્સ ઓફિસ જવાને લઇને વધુ સકારાત્મક વલણ ધરાવતા હતા.
લિન્કડઇનના રિપોર્ટમાં 18 વર્ષની ઉપરના 1,001 કર્મચારીઓને સરવે હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ, 2023 વચ્ચે આ સરવેનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર અત્યારે ‘ડેસ્ક બોમ્બિંગ’ એ ઓફિસમાં પ્રચલિત ટ્રેન્ડ બન્યો છે જ્યારે સહકર્મચારીઓ કોઇપણ પ્રકારની જાહેરાત વગર અચાનક જ ગપશપ કરવા માટે તેના ડેસ્ક પર પહોંચી જાય છે. લિન્કડઇન પર ડેસ્ક બોમ્બિંગ ટર્મ અંગેની ચર્ચા થઇ રહી છે જ્યારે ગપશપ કરવા માટે સહકર્મી અચાનક જ તમારા ડેસ્ક પર પહોંચી જાય છે. સરવેમાં સામેલ 62 ટકા કર્મચારીઓએ સહકર્મચારીઓ માટે રસપ્રદ સંવાદ માટે ડેસ્ક બોમ્બિંગને શ્રેષ્ઠ માધ્યમ માને છે અને દેશના 60 ટકા જનરેશન ઝેડ કર્મચારીઓએ ડેસ્ક બોમ્બિંગનો અનુભવ કર્યો છે અને તેને ઉપયોગી પણ માને છે.