વારિસ પંજાબ દેના ચીફ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ વિશે એક નવો ખુલાસો થયો છે. અમૃતપાલ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે કામ કરી રહ્યો હતો. દુબઈથી પંજાબ આવવાથી લઈને વ્યસન મુક્તિ કેન્દ્ર ખોલવા સુધીની તમામ બાબતોની ISIની યોજના હતી. અત્યારે પણ ISI એજન્ટ તેને ગુપ્ત રીતે સુરક્ષા આપી રહ્યા છે.
તેણે જલ્લુપુર ખેડા ખાતે ફાયરિંગ રેન્જ બનાવી. જેમાં યુવાનોને હથિયાર ચલાવવાની તાલીમ પૂર્વ સૈનિકો દ્વારા આપવામાં આવી રહી હતી. આ એવા સૈનિકો હતા જેમને ગેરવર્તન માટે સેનામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
જ્યારે, અમૃતપાલ શાહબાદ પછી હવે કુરુક્ષેત્રના પીપલી બસ સ્ટેન્ડ પર જોવા મળ્યો છે. જેમાં તે પપ્પલપ્રીત સાથે છત્રી લઈને જતો દેખાયો છે. અહીંથી ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં જવા માટેની બસો જાય છે. અમૃતપાલ હવે ઉત્તરાખંડ થઈને નેપાળ ભાગી ગયો હોવાની આશંકા છે. આ માટે ઉત્તરાખંડમાં હાઈએલર્ટ અને નેપાળ બોર્ડર પર સતર્કતા વધારી દેવામાં આવી છે.
ટ્રેનિંગ આપનાર એક પૂર્વ સૈનિકની ધરપકડ
પોલીસે ટ્રેનિંગ આપવાના કેસમાં 19 શીખ બટાલિયનમાંથી નિવૃત્ત થયેલા બે પૂર્વ સૈનિક વરિન્દર સિંહ અને થર્ડ આર્મર્ડ પંજાબના તલવિંદરની ઓળખ કરી હતી. પોલીસે બંનેના હથિયાર લાયસન્સ રદ કરીને વરિન્દર સિંહની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ મુજબ, અમૃતપાલે પંજાબ આવતાની સાથે જ આવા વિવાદાસ્પદ પૂર્વ સૈનિકોની શોધવાનું શરૂ કર્યું હતું. તેની પાસે પહેલેથી જ હથિયારનું લાઇસન્સ છે, આવી સ્થિતિમાં તેમના દ્વારા ટ્રેનિંગ આપવી સરળ હતી.
અમૃતપાલનો પાસપોર્ટ ગુમ, LOC રિમાઇન્ડર જાહેર
પંજાબ પોલીસને અમૃતપાલનો પાસપોર્ટ ઘરમાંથી ગુમ થયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પરિવાર પાસેથી માંગણી કરી હતી પરંતુ તેઓએ પાસપોર્ટ હોવાનો ઇનકાર કર્યો હતો. પોલીસને શંકા છે પરિવારે જ પાસપોર્ટ કોઈને આપ્યો હતો જેથી અમૃતપાલ મોકો મળતા જ વિદેશ ભાગી જાય. જેને જોતા પોલીસે એરપોર્ટ અને લેન્ડ પોર્ટ પરથી તેની સામે લુકઆઉટ સર્ક્યુલરનું રિમાઇન્ડર મોકલવામાં આવ્યું છે.