એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં મન કી બાત કાર્યક્રમમાં હાજર નહિ રહેનાર વિદ્યાર્થીનીઓ પાસેથી 50 રૂપિયા દંડ લેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. વિદ્યાર્થિનીઓ પરીક્ષા હોવાના કારણે વાંચતી હોવાથી હાજર રહી ના હતી તેમ છતાં તેમની પાસેથી 50 રૂપિયા દંડ લેવામાં આવતાં વિદ્યાર્થીનીઓએ બીજા દિવસે દંડની રીસીપ્ટ માંગી હતી. જોકે વિવાદ થાય તેવું લાગતા હોસ્ટેલ સત્તાધીશોએ વિદ્યાર્થીનીઓને દંડની રકમ પરત આપી દીધી હતી.
30 એપ્રીલના રોજ વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનો 100મો એપીસોડ હતો. કાર્યક્રમ માટે યુનિવર્સિટીની દરેક હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ભાગ લે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ગર્લ્સ હોસ્ટેલમાં આવેલા કે.જી.હોલમાં કાર્યક્રમમાં હાજર રહેવા માટે દરેક વિદ્યાર્થીનીઓને સૂચના આપવામાં આવી હતી. જોકે 20થી વધારે વિદ્યાર્થીનીઓ પરીક્ષાના પગલે વાંચવાનું હોવાથી કોમન રૂમમાં હાજર રહી ના હતી. વિદ્યાર્થીનીઓની હાજરી પણ પૂરવામાં આવી હતી.
વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે રાત્રે 11 વાગ્યે મેસેજ નાખ્યો હતો તમામે મન કી બાત કાર્યક્રમમાં ફરજયાત હાજર રહેવું પડશે. ફોટો પાડવાનો છે અને અપલોડ કરવાનો છે. જોકે મોટાભાગના લોકોની પરીક્ષા ચાલી રહી હતી જેથી મોડી રાત સુધી વાંચતા હતા. જેના કારણે ઘણી ગર્લ્સ નહોતી ગઇ. કાર્યક્રમમાં હાજરી લેવામાં આવી હતી. અમે હાજર ના હતા જેથી અમને કહેવામાં આવ્યું કે 50 રૂપિયા દંડ આપો. ઘણી ગર્લ્સે દંડ આપી દીધો હતો.