રશિયાની રાજધાની મોસ્કોમાં મંગળવારે ફરી એકવાર ડ્રોન હુમલો થયો છે. રશિયાએ યુક્રેન પર હુમલાનો આરોપ લગાવ્યો છે. હુમલાની પુષ્ટિ કરતા મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને કહ્યું- યુક્રેને 5 ડ્રોન વડે મોસ્કો પર હુમલો કર્યો. અમે તે બધાને તોડી પાડ્યા છે. જોકે, સુરક્ષાના કારણોસર રાજધાનીના મુખ્ય એરપોર્ટ પરથી ફ્લાઈટને થોડા કલાકો માટે ડાયવર્ટ કરવામાં આવી હતી. રશિયાના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી.
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું- આ રશિયા પર બીજો આતંકવાદી હુમલો છે. યુક્રેને મોસ્કોના એવા વિસ્તાર પર હુમલો કર્યો જ્યાં સામાન્ય નાગરિકો રહે છે. અહીં રાજધાનીનું મુખ્ય એરપોર્ટ છે જ્યાં વિદેશી ફ્લાઈટ્સ પણ અવારનવાર આવે છે. તેમણે કહ્યું- વિશ્વને એ સમજવાની જરૂર છે કે UNSCના સ્થાયી સભ્યો અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ આતંકવાદી દેશને મદદ કરી રહ્યા છે.
એરપોર્ટ પાસે બે ડ્રોનનો કાટમાળ મળ્યો
રશિયન મીડિયા RT અનુસાર, એરપોર્ટથી લગભગ 5 કિલોમીટરના અંતરે 2 ડ્રોનનો કાટમાળ મળી આવ્યો હતો. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સવારે લગભગ 6 વાગે નોવાયા વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ આવ્યો. મેયર સર્ગેઈએ આ વિસ્તારમાં 4 ડ્રોન તોડી પાડવાની પુષ્ટિ કરી છે.