મ્યાનમારમાં સૈન્યની સરમુખત્યાર સરકારના અત્યાચારોથી પીડિત શરણાર્થીઓનું ભારતમાં આગમન યથાવત્ છે. મિઝોરમમાં લગભગ 30,500 શરણાર્થીઓ શરણ લઈ ચૂક્યા છે. મિઝોરમ સરકારે રાજ્યમાં પહોંચેલા આ શરણાર્થીઓની પ્રોફાઈલિંગ કરી ડેટા પણ તૈયાર કરી લીધો છે. મિઝોરમ સરકારે મ્યાનમારના તમામ શરણાર્થીઓને વિશેષ ઓળખપત્ર પણ આપી દીધાં છે.
રાજ્ય સરકારના અધિકારીઓ કહે છે કે આ ઓળખપત્રનો ઉપયોગ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે નહીં કરી શકાય. મિઝોરમની વસતી લગભગ 12.50 લાખ છે. તેમાં પણ 30 હજાર મ્યાનમાર શરણાર્થીઓના આગમનથી અહીં વસતી સંતુલન બગડવાની આશંકા છે. મિઝોરમના લગભગ 160 શરણાર્થી કેમ્પોમાં ચોક્સાઈ વધારાઇ છે જેથી આ શરણાર્થીઓ સ્થાનિક ક્ષેત્રોમાં વસી ન જાય.
શિબિરોમાં મ્યાનમારની પૂર્વ સરકારના પ્રતિનિધિઓ પણ
ગત વર્ષે ફેબ્રુઆરીમાં મ્યાનમારના સૈન્યએ સત્તા પર કબજો જમાવ્યા બાદથી ભયભીત લોકો સમૂહોમાં ટઆઉ નદીને પાર કરી મિઝોરમ પહોંચી રહ્યા છે. આ શરણાર્થી મૂળરૂપે મ્યાનમારના ચીન પ્રાંતના વતની છે. આ શિબિરોમાં મ્યાનમારના આંગ સાન સૂ કીના નેતૃત્વ હેઠળની પૂર્વ લોકશાહી સરકારના 14 પ્રતિનિધિઓ પણ સામેલ છે.
શરણાર્થીઓમાં 22 હજારથી વધુ મહિલા-બાળકો છે
મિઝોરમમાં પહોંચેલા મ્યાનમારના શરણાર્થી ચંફાઈ, સિયાહા, લાંગ્તલાઈઝ, સેરછિપ, હ્નાહથિયાલ અને સેતુઆલ જિલ્લામાં 160 રાહત કેમ્પોમાં રહી રહ્યા છે. મિઝોરમમાં રહેતા મ્યાનમારના 30 હજાર શરણાર્થીઓમાંથી 11,800 બાળકો અને 10,200 મહિલાઓ છે. રાજ્ય સરકારે શરણાર્થીઓ માટે અત્યાર સુધી આશરે 80 લાખ રૂ. મંજૂર કર્યા છે.