Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આયુર્વેદિક સીરપના ઓઠા તળે નશાયુક્ત પીણાનો લાખો રૂપિયાનો જથ્થો પોલીસે તાજેતરમાં જ પકડી પાડ્યો હતો. રાજકોટ શહેર અને જિલ્લામાંથી સીરપનો જથ્થો પકડાવવાનો સિલસિલો શરૂ થતા નશાયુક્ત પીણાના જથ્થાને અસામાજિક તત્ત્વો સગેવગે કરવા લાગ્યા છે. ત્યારે અસામાજિક તત્ત્વોએ પોલીસથી બચવા નશાયુક્ત સીરપનો જથ્થો સંતાડવા માટે બંધ ડેલાના તાળાં તોડી કારસ્તાન આચર્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.


રૈયા ગામમાં રહેતા રેશમાબેન વસીમભાઇ ઠેબા નામની મહિલાના ભાણેજે ગુરુવારે ફોન કરી લાખાજીરાજ સોસાયટીમાં આવેલા તમારા ત્રણ વર્ષથી બંધ ડેલાના તાળાં તૂટ્યા હોવાની જાણ કરી હતી. જેથી રેશમાબેન તુરંત દૂધસાગર રોડ, લાખાજીરાજ સોસાયટીમાં આવેલા તેમના ડેલે પહોંચ્યા હતા. તપાસ કરતા ડેલાના તાળાં તૂટેલા અને અંદરથી શંકાસ્પદ પેટીઓ જોવા મળી હતી. જેથી રેશમાબેને તુરંત થોરાળા પોલીસ મથકના પીઆઇ એલ.કે. જેઠવાને જાણ કરી હતી.

તાળાં તોડી બંધ ડેલામાં શંકાસ્પદ પેટીઓ કોઇ મૂકી ગયાની જાણ થતાની સાથે જ થોરાળા પોલીસનો સ્ટાફ તુરંત બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતા ડેલામાંથી કુલ 167 પેટી મળી આવી હતી. પેટીમાં તપાસ કરતા અંદરથી ગીતાંજલિ હર્બલ આયુર્વેદિક સીરપ લખેલી બોટલ મળી આવી હતી. પોલીસે ગણતરી કરતા કુલ 4200 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.4.20 લાખની કિંમતની નશાયુક્ત સીરપનો જથ્થો કબજે કરી એફએસએલને જાણ કરી છે.