મંગળવારે, રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારા બિલ, 2025 લોકસભા પછી રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યા. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આ બિલ રજૂ કર્યું, જેનો ઉદ્દેશ્ય ભારતમાં રમતગમત વહીવટને મજબૂત બનાવવાનો છે.
સોમવારે લોકસભામાં રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તેને સ્વતંત્રતા પછી ભારતીય રમતગમતમાં સૌથી મોટો સુધારો ગણાવ્યો હતો. રાષ્ટ્રીય રમતગમત બિલ લાવવાનો વિચાર 1975માં શરૂ થયો હતો. પરંતુ દર વખતે રાજકીય કારણોસર, આ બિલ ક્યારેય સંસદમાં જઈ શક્યું નહીં.
BCCI હજુ પણ RTIના દાયરામાં આવશે નહીં. રમતગમત મંત્રાલયે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલમાં સુધારો કર્યો છે. આ મુજબ, હવે ફક્ત તે રમતગમત સંગઠનોને તેના દાયરામાં લાવવામાં આવ્યા છે, જે સરકારી અનુદાન અને સહાય લે છે.
BCCI રમત મંત્રાલય પાસેથી કોઈ ગ્રાન્ટ લેતું નથી. જોકે, વિવિધ સંગઠનો ઘણી વખત BCCI ને RTI (માહિતી અધિકાર) ના દાયરામાં લાવવાની માગ કરી રહ્યા છે.
આ બિલ 23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવ્યું હતું રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ 23 જુલાઈના રોજ લોકસભામાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ, 2025 રજૂ કર્યું. આ બિલમાં રમતગમતના વિકાસ માટે રાષ્ટ્રીય રમતગમત શાસન સંસ્થા, રાષ્ટ્રીય રમતગમત બોર્ડ, રાષ્ટ્રીય રમતગમત ચૂંટણી પેનલ અને રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ બનાવવાની જોગવાઈઓ છે. સંસદમાં આ બિલને GPCમાં મોકલવાની માંગ પણ કરવામાં આવી છે.