મુંબઈના બેટર સરફરાઝ ખાન લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય બેટર બની ગયો છે. તેણે ગુરુવારે વિજય હજારે ટ્રોફી (VHT)માં પંજાબ સામે માત્ર 15 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. જોકે, તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો.
જયપુરમાં રમાયેલી આ મેચમાં પંજાબે મુંબઈ પર એક રનથી રોમાંચક જીત મેળવી હતી. પંજાબે 45.1 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. ત્યારબાદ મુંબઈની ટીમને 26.2 ઓવરમાં 215 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. મયંક માર્કંડે અને ગુરનૂર બરારે 4-4 વિકેટ ઝડપી હતી.
જયપુરમાં મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ગોવા સામે અણનમ 134 રનની જોરદાર ઇનિંગ રમી હતી. તેણે વિજય હજારે ટ્રોફીમાં પોતાની 15મી સદી ફટકારી છે. આ સાથે જ ગાયકવાડે સૌથી વધુ સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મહારાષ્ટ્રના અંકિત બાવનેએ પણ 15 સદી ફટકારી છે. આ મેચમાં મહારાષ્ટ્રએ ગોવાને 5 રનથી હરાવ્યું હતું. જયપુરમાં રમાયેલી અન્ય મેચમાં હિમાચલ પ્રદેશે સિક્કિમને 9 વિકેટે હરાવ્યું હતું, જ્યારે છત્તીસગઢે ઉત્તરાખંડને 7 વિકેટે પરાજય આપ્યો હતો.