પોસ્ટ વિભાગે તાજેતરમાં તા.6 થી 10 સુધી .ડિજિટલ સોવરેન ગોલ્ડ યોજના બહાર પાડી હતી. જેમાં ફક્ત 5 દિવસમાં ખેડા જિલ્લાના લોકોએ રૂ.1.10 કરોડનું ડિજિટલ સોનું ખરીદ્યું હતુ. જિલ્લાની 72 પોસ્ટ ઓફિસ માંથી 1.9 કિલો સોનાનું વેચાણ થયું હતું. રાજ્યમાં 1.9 કિલોના સોનાના વેચાણ સાથે ખેડા જીલ્લો બીજા ક્રમે રહ્યો હતો. જ્યારે પ્રથમ નંબર સુરતનો આવ્યો હતો.
ડિજિટલ સોવરેન ગોલ્ડ યોજના બહાર પાડી
થોડા સમયથી શેર માર્કેટમાં થતી ઉથલ પાથલને લઇ અનેક લોકોને મૂડી ખોવાનો વારો આવ્યો છે. શેર માર્કેટ થતા નુકસાનને લઇ લોકો સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે. જેનો લાભ પોસ્ટ વિભાગને થયો છે. જેમના ઘરે 8 થી 10 વર્ષ બાદ દિકરીના લગ્ન હોય કે સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટે ખર્ચ કરવાનો હોય તેવા પરિવારો દ્વારા પોસ્ટ માંથી ડિજીટલ સોનાની ખરીદી કરવામાં આવી હતી.
પોસ્ટ માંથી ડિજીટલ સોનાની ખરીદી કરવામાં આવી
જેમાં સોવરેન ગોલ્ડ યોજનાના પ્રથમ દિવસે રૂ. 1,08,180 નું 20 ગ્રામ ગોલ્ડ, બીજા દિવસે રૂ. 12,44,070 નું 230 ગ્રામ ગોલ્ડ, ચોથા દિવસે રૂ.17,30,880નું 320 ગ્રામ ગોલ્ડ અને છેલ્લા દિવસે રૂ.76,69,962 નું 1418 ગ્રામ ગોલ્ડનું વેચાણ પોસ્ટમાં થયું હતું. જેને લઇ પાંચ દિવસમાં રૂ.1,07,53,092 નું 1988 ગ્રામ ડિજિટલ સોનાનું વેચાણ નોંધાવવા પામ્યું હતું.