સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રવિવારે અગાઉથી એજન્ડા જાહેર કર્યા વિનાની સેનેટની બેઠક મળી હતી. સવારે 11.30 કલાકે મળેલી સેનેટની બેઠકમાં સૌથી વધુ ચર્ચા યુનિવર્સિટીના ભવનના હેડના રોટેશનની થઇ હતી. સત્તાધીશોએ અગાઉથી સ્ટેચ્યુટમાં બદલાવ કર્યા વિના જ સીધા સેનેટમાં મંજૂરી માટે આ મુદ્દો મુકાયો હતો જેનો કેટલાક સભ્યોએ વિરોધ કરતા હેડશિપ રોટેશનની હિલચાલ ફેલ રહી હતી અને ભવનોમાં હેડશિપ બદલવાનો નિર્ણય સિન્ડિકેટમાં રીફરબેક કર્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓના એનરોલમેન્ટની જવાબદારી જે-તે કોલેજોના આચાર્યની હોવાનો નિર્ણય પણ સેનેટમાં રજૂ કરાયો હતો જેમાં પણ આચાર્યોએ વિરોધ કરતા આ નિર્ણય પણ મોકૂફ રહ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ ધીમે ધીમે સ્ટેચ્યુટને બદલે ઘરની ધોરાજી ચલાવવાનું શરૂ કર્યું હોય એમ રવિવારે અગાઉથી સ્ટેચ્યુટમાં ફેરફાર કર્યા વિના સીધો જ હેડશિપ રોટેશનનો નિર્ણય સેનેટમાં મુકાતા વિવાદ થયો હતો. આ મુદ્દે સભ્યો વચ્ચે રકઝક પણ થઇ હતી. જો કે અંતે કુલપતિ સહિતનાઓએ આ નિર્ણય મોકૂફ રાખ્યો હતો. બીજી બાજુ નવા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટમાં કોઈ ક્ષતિ રહી જાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોલેજોની રહેશે તેવો પણ એક ઓર્ડિનન્સ રજૂ કર્યો હતો તેમાં પણ યુનિવર્સિટીએ પોતાની જવાબદારી ખંખેરી લેતા આચાર્યોએ વિરોધ કર્યો હતો.