યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા તાજેતરમાં વ્યાજદરોમાં 50 બેસિસ પોઇન્ટના ઘટાડા બાદ RBI પણ વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે પરંતુ આ વર્ષે નહીં. RBI ફેબ્રુઆરી 2025 સુધીમાં રેપોરેટમાં ઘટાડો કરશે તેવી શક્યતા SBIના રિસર્ચમાં વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટ 2024માં દેશમાં CPI ફુગાવો 3.65% સાથે પાંચ વર્ષના તળિયે રહ્યો છે. કેલેન્ડર વર્ષ 2024માં વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી શક્યતા ઓછી છે. વર્ષ 2025ની શરૂઆતમાં રેટકટ માટે શ્રેષ્ઠ સમય કહી શકાય. સરકારની રોકડનું બેલેન્સ બેન્કિંગ સિસ્ટમની બહાર જઇ રહ્યું હોવાથી બેન્કિંગ સેક્ટરમાં આગામી સમયમાં પણ લિક્વિડિટીને લગતા પડકારો પ્રવર્તી શકે છે.
સપ્ટેમ્બર તેમજ ઑક્ટોબરમાં ફુગાવામાં અંદાજિત વધારા છતાં, આગામી મહિનામાં CPI ફુગાવો 5% કરતાં નીચે રહે તેવી શક્યતા છે. સમગ્ર નાણાવર્ષ 2024-25 દરમિયાન સરેરાશ ફુગાવો 4.6% તી 4.7%ની રેન્જ વચ્ચે રહી શકે છે. જે RBIના લક્ષ્યાંક 4-6%ની વચ્ચે રહેશે. આ વરષે ચોમાસું સાનુકૂળ રહેતા 7% વધુ વરસાદ નોંધાયો છે. જેનાથી ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો છે જે 109.7 મિલિયન હેક્ટર થયું છે, જે પાંચ વર્ષની સરેરાશ કરતાં વધુ છે.
17 સપ્ટેમ્બર સુધીમાં ખરીફ પાકનું વાવેતર 0.1% વધુ હતુ અને ગત વર્ષ કરતાં 2.2% વધુ હતુ. જ્યારે ડાંગરનું વાવેતર પણ 41 મિલિયન હેક્ટર સાથે 2.1% વધ્યું હતું. જે પાંચ વર્ષની સરેરાશ કરતાં વધુ છે. મોનેટરી પોલિસીની દષ્ટિએ RBIએ ફુગાવાના દબાણને અંકુશમાં રાખવા માટે લિક્વિડિટીની સ્થિતિને યોગ્ય રાખી છે.