બ્રિટનમાં ભારતીય લોકોના વધતા જતા પ્રભુત્વના કારણે શ્વેત જાતિવાદી અંગ્રેજ લોકો ભારે નારાજ છે. ભારતવંશી ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ જાતિવાદી સમર્થક અંગ્રેજ જૂથો માની રહ્યાં છે કે પહેલાથી જ મજબૂત સ્થિતિ ધરાવનાર ભારતીય સમુદાયની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે. આના કારણે ભારતીયોની સામે હેટક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે. બ્રિટિશ પોલીસ મુજબ ભારતીયોની સામે માર્ચ 2022થી લઇને માર્ચ 2023માં હેટક્રાઇમના 58,557 કેસ નોંધાયા છે. સુનકના વડાપ્રધાન બનતા પહેલાં એટલે કે માર્ચ 2022થી ઓક્ટોબર 2022 વચ્ચેના આઠ મહિનાના ગાળામાં હેટક્રાઇમનાંં 32,789 કેસ નોંધાયા હતા. એટલે કે દર મહિને આશરે ચાર હજાર કેસ નોંધાયા હતા. જ્યારે સુનક વડાપ્રધાન બન્યા બાદ ઓક્ટોબર 2022થી માર્ચ 2023 સુધી પાંચ મહિનામાં 25768 કેસ નોંધાયા છે. એટલે કે દર મહિને પાંચ હજાર કેસ નોંધાયા છે. સામાન્ય રીતે બ્રિટનમાં જાતીય સમુદાયની સામે હેટક્રાઇમના કુલ 1,08,833 કેસ બહાર આવ્યા છે. જે ગયા વર્ષની સરખામણીમાં 26 ટકા વધારે છે.