શહેરમાં રહેતી અને જ્વેલરીના શો-રૂમમાં નોકરી કરતી યુવતીને હિસાબના બહાને ઘરે બોલાવી શો-રૂમના સંચાલકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને ધાક ધમકી આપી યુવતી પર બે વખતે દુષ્કૃત્ય આચર્યું હતું. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. શહેરમાં રહેતી 38 વર્ષની યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાધુ વાસવાણી રોડ પરના સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ મહેન્દ્ર ભીંડીનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે અલ્પેશ ભીંડીના ગણેશ ગોલ્ડ નામના શો-રૂમમાં નોકરી કરતી હતી.
વર્ષ 2019ના દિવાળી બાદ અલ્પેશે એક દિવસ યુવતીને હિસાબના બહાને પોતાના ઘરે બોલાવી હતી, યુવતી શો-રૂમ સંચાલકના ઘરે પહોંચી ત્યારે તેના ઘરે અલ્પેશ સિવાય કોઇ નહોતું, અલ્પેશે એકલતાનો લાભ ઉઠાવી બળજબરી કરી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. દુષ્કૃત્યથી ગભરાઇ ગયેલી યુવતીએ આ અંગે કોઇને જાણ કરી નહોતી, સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી ત્યારબાદ બીજી વખત પણ અલ્પેશ ભીંડીએ યુવતીને શિકાર બનાવી હતી.
અલ્પેશના કૃત્યથી સમસમી ગયેલી યુવતીએ આ અંગે કોઇને જાણ કરી નહોતી પરંતુ અલ્પેશ ભીંડી શારીરિક શોષણ માટે સતત ધમકાવતો હોય અંતે યુવતીએ પોલીસનું શરણું લીધું હતું. પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી અલ્પેશ ભીંડીની શોધખોળ શરૂ કરી હતી, યુવતીનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું તેમજ આરોપી હાથ આવ્યે તેનું પણ તબીબી પરીક્ષણ કરાવાશે તેમ તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.