Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટના રૈયા સરવે નં.156 પૈકીની યુએલસી ફાજલની 166 કરોડની સરકારી જમીન પર કૌભાંડીઓએ દબાણ કરી લીધાના કૌભાંડનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યા બાદ દબાણકારો સામે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં તંત્ર હજુ પણ ઢીલ કરી રહ્યું છે અને માત્ર બે દબાણકારોની કોમર્સિયલ મિલકત પર સીલ મારી કામગીરી કર્યાનો દેખાડો કર્યો છે. જ્યારે ડિમોલિશનની કામગીરી હવે 2જી ઓક્ટોબર બાદ કરાશે.


રાજકોટના પોશ વિસ્તાર રૈયા રોડ પર આવેલી કરોડો રૂપિયાની સરવે નં.156 પૈકીની 30 હજાર ચો.મી.થી વધુ સરકારી જમીન પર ભૂમાફિયાઓનો કબજો હોવાના અહેવાલ બાદ પશ્ચિમ મામલતદાર તંત્રે 5 તલાટીને દોડાવ્યા હતા અને આ પાંચ તલાટીએ કુલ 27 આસામીને નોટિસ આપી તેમની મિલકતના આધાર-પુરાવા રજૂ કરવા સૂચના આપી હતી. જેમાંથી માત્ર એક જ આસામી પાસે મિલકતની માલિકીના આધાર-પુરાવા પેટે નમૂનો-2 રજૂ કરાયો હતો. જ્યારે બાકીના 26 દબાણકારો જવાબ આપવા પણ નહીં આવતા તેઓએ સરકારી જમીનમાં રહેણાક અને વાણિજ્યક હેતુના બાંધકામ ખડકી દીધાનું સ્પષ્ટ બન્યું હતું.

જેના પગલે પશ્ચિમ મામલતદાર મહેશ શુક્લએ ગત તા.9-9ના રોજ ગેરકાયદે ખડકાયેલા 12 કોમર્સિયલ અને 14 રહેણાક મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 15 દિવસ બાદ પણ હજુ સુધી કોઇ કામગીરી પશ્ચિમ મામલતદાર તંત્ર દ્વારા કરવામાં આવી નથી.