આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગાયાત્રા યોજાવાની છે. ત્યારે શહેરમાં આજે બહુમાળી ભવન ચોક ખાતે સવારે 8 વાગ્યાથી દેશભક્તિ જગાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. એની વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ-અધ્યક્ષ સી.આર. પાટીલનું આગમન થયું હતું અને તેમણે ફ્લેગોફ આપી તિરંગાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ તિરંગાયાત્રામાં ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશપ્રેમના નારા ગુજતાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. નોધનીય છે કે CM પટેલ અને સી.આર.પાટીલ માત્ર બહુમાળી ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી યાત્રામાં જોડાયા અને કિસાનપરા તરફ વળી ગયા હતા જયારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પગપાળા યાત્રામાં જોડાયા હતા.
નો એન્ટ્રી સામેના આ છે વૈકલ્પિક રસ્તાઓ
તિરંગાયાત્રામાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે યાત્રાના રૂટ પર સરકારી વાહનો સિવાયનાં વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરાઈ છે. આ રૂટના પશ્ચિમ તરફના એટલે કે કાલાવડ રોડ, આમ્રપાલી તરફથી આવતા લોકોને પૂર્વ તરફ એટલે કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તરફ જવું હોય તો રેસકોર્સ રિંગ રોડ પરના જૂની એનસીસી ઓફિસ થઇ પોલીસ હેડ ક્વાર્ટર ગેટ, ટ્રાફિક શાખા ઓફિસ થઇને વાહનચાલકો જઇ શકશે. ટાગોર રોડ તરફથી ત્રિકોણબાગ જવા માગતા વાહન ચાલકો વિરાણી ચોક, લેલન ટી પોઇન્ટથી ગોંડલ રોડ, લોધાવાડ ચોક થઇને જઇ શકશે.
યાત્રામાં જોડાનારા લોકોનાં વાહનો માટેની પાર્કિંગ વ્યવસ્થા
તિરંગાયાત્રામાં જોડાનાર માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી રોડ અને ભાવનગર રોડથી આવતી બસ માટે શાસ્ત્રી મેદાન, કાલાવડ રોડ પરની શાળા-કોલેજોની બસ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં પાર્ક કરવાની રહેશે. ટૂ-વ્હીલ બાલ ભવન પાસે, ફોર-વ્હીલ માટે બહુમાળી ભવનમાં અને રેસકોર્સના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
તિરંગા પ્રત્યે આદરભાવ
હાલ તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે. આ યાત્રામાં પોલીસ તથા ફાયરબ્રિગેડનાં બાઇક્સ, પોલીસ બેન્ડ, એન.સી.સી. બ્રહ્માકુમારી તથા ગુરુકુળ મંડળ સહિતનાં વિવિધ મંડળો જોડાયાં હતાં. આ ઉપરાંત ધારાસભ્ય, સાંસદ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, મારવાડી અને આત્મીય સહિત વિવિધ યુનિવર્સિટીઓ, સરદાર ધામ ગ્રુપ તેમજ ખોડલધામ ગ્રુપ સહિતના સામાજિક સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન સહિત વિવિધ ઉદ્યોગગૃહો તથા વેપારી સંગઠનો, ડોક્ટર્સ, વકીલો, સરકારી અધિકારી અને કર્મચારીગણ વગેરેએ જોડાઈને તિરંગા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કર્યો હતો