શહેરના યુનિવર્સિટી રોડ પર પ્રેમમંદિર નજીક સરિતા વિહાર સોસાયટીમાં રહેતા કારખાનેદારના બંધ મકાનમાં ખાબકી તસ્કરો રોકડા રૂ.15 લાખ અને સોનાના દાગીના મળી કુલ રૂ.17.59 લાખનો દલ્લો ઉઠાવી ગયા હતા. ચોરીમાં ચાર તસ્કર હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થયું હતું. તસ્કરો આ સોસાયટીમાંથી બે બાઇક અને એક સ્કૂટર પણ હંકારી ગયા હતા.
સરિતા વિહાર સોસાયટીમાં રહેતા અને કોઠારિયા માલધારી ફાટક પાસે શિવાલય એલોય નામે કારખાનું ધરાવતા જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા (ઉ.વ.29)એ ચોરીની ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જયરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.4ને મંગળવારે સવારે તેઓ તેમના પત્ની અને ત્રણ વર્ષના પુત્રને ઢેબર રોડ પર તેમના પિતાના ઘરે મૂકવા ગયા હતા અને રાત્રીના બારેક વાગ્યે હરપાલસિંહ તેમના અન્ય ચાર મિત્ર સાથે સાળંગપુર દર્શને ગયા હતા. સાળંગપુર દર્શન કરી કારખાનેદાર બુધવારે સવારે નવેક વાગ્યે પરત આવ્યા ત્યારે તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. હરપાલસિંહે અંદર જઇ તપાસ કરતાં કબાટની તમામ સામગ્રી વેરવિખેર હતી. હરપાલસિંહે તપાસ કરતાં તસ્કરો કબાટમાંથી રૂ.2.59 લાખની કિંમતના સોનાના દાગીના તથા રૂ.15 લાખ રોકડા ઉપાડી ગયા હતા, ચોરીની ઘટના જાહેર થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળ તેમજ આસપાસમાં તપાસ કરતાં એક સ્થળે સીસીટીવી કેમેરા જોવા મળ્યા હતા તેના ફૂટેજ ચેક કરતાં કારખાનેદારના મકાનમાં ચાર શખ્સ ચોરી કરવા ઘુસ્યાનું અને વહેલી સવારે 5 વાગ્યે ચોરી કરી મકાનમાંથી નીકળતા જોવા મળ્યા હતા. પોલીસ સ્થળ પર પહોંચી તો પાડોશીઓ પણ દોડી આવ્યા હતા અને તસ્કરો બે મકાનની બહાર પાર્ક કરાયેલા બે બાઇક અને એક સ્કૂટર હંકારી ગયાનું ખુલ્યું હતું. એક બાઇક તસ્કરોએ થોડેદૂર રેઢું મૂકી દીધું હતું જે મળી આવ્યું હતું. ચોરીની ઘટનાથી સરિતા વિહાર સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.