પાકિસ્તાનના કરાચી શહેરમાં શુક્રવારે નાસભાગમાં 12 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના એક ફેક્ટરીના પરિસરમાં બની હતી. અહીં રમજાન દરમિયાન ગરીબોને ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. મૃતકોમાં 8 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસ પણ ઘટનાસ્થળે હાજર હતી, પરંતુ નાસભાગ થતાં જ તેઓ ભાગી ગયા.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગયા અઠવાડિયે સરકાર દ્વારા ફ્રી લોટની સેવા લેવા માટે ભાગદોડની થોડી ઘટનાઓ બની હતી. તેમાં પણ 12 લોકો મૃત્યુ પામ્યાં હતાં. જેમાં 3 મહિલાઓ સામેલ હતી
વીજળીના તાર લોકો ઉપર પડ્યા
'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'ના જણાવ્યા પ્રમાણે, સાક્ષીઓએ જણાવ્યું છે કે વિશાળ સંખ્યામાં લોકો મફત રાશન લેવા માટે એકઠા થયા હતા. રાશન ઓછું હતું અને ભીડ વધારે હતી. જેથી લોકો વહેલી તકે સામાન મેળવવા માગતા હતા. આ દરમિયાન નાસભાગ થઈ અને ઝપાઝપી દરમિયાન વીજળીના તાર તૂટીને લોકો પર પડ્યા હતા. વીજળીના તાર પડવાથી કેટલાક લોકોનાં મોત થયાં હતાં.
કરાચીની અબ્બાસી હોસ્પિટલમાં નવ મૃતદેહોને લાવવામાં આવ્યા છે. જ્યારે 29 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.