દેશમાં ડિજિટલ (ફિનટૅક્) લોન પ્લેટફોર્મ્સ ઝડપતી વધવા સાથે નકલી કે ગેરકાયદે રીતે લોન આપનારી એપ્લિકેશન બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. લગભગ 81 એપ સ્ટોર પર ભારતીય લોન એપ ઉપલબ્ધ છે. લોન કે ઇન્સટન્ટ લોનના નામથી નોંધાયેલી આવી એપની સંખ્યા 1100થી વધુ છે. તેમાંથી લગભગ 600 કે 54% એપ્લિકેશન ગેરકાયદે છે.
ફિનટૅક્ એસોસિયેશન ફોર કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ (ફેસ)ના તાજેતરના અહેવાલ પ્રમાણે મોટા ભાગના ભારતીય ગ્રાહક આ ગેરકાયદે ડિજિટલ લેન્ડિંગ એપ (ડીએલએ) થકી છેતરાય તેવું જોખમ તોળાઈ રહ્યું છે. અહેવાલ પ્રમાણે લોન આપનારનું નામ જાણ્યા પછી પણ બહુ ઓછા ગ્રાહકો શરતો અને ફરિયાદ નિવારણના રસ્તા અપનાવે છે.
ફેસના સરવેમાં સમાવિષ્ટ 70% વપરાશકારોએ લોન એપમાં એક્સેસ કરતી વેળાએ બનાવટી લોન એપ ઓળખવાની પોતાની ક્ષમતા પર પૂરતો વિશ્વાસ દર્શાવ્યો હતો. પરંતુ આ જ હાઈ કોન્ફિડન્સ ધરાવતા 36% લોકોએ ડીએલએના વેરિફિકેશન કરવામાં ઓછી જાગરુકતા દાખવી હતી. 33% પાસે બહુ મર્યાદિત માહિતી હતી. બાકીના 30%માંથી 6%એ કહ્યું કે તેઓ લોન એપમાં એક્સેસ કરતી વેળા ક્યારેય વેરિફાય કરતા નથી. 24%એ ક્યારેક વેરિફાઇ કરતા હોવાનું કહ્યું. આવા લગભગ 70% લોકો બનાવટી લોન એપનો શિકાર બને તેનું જોખમ સૌથી વધુ હોઈ શકે છે.