વિદેશમંત્રી એસ. જયશંકર પાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા ઈસ્લામાબાદમાં છે. એસસીઓની બેઠકને સંબોધતાં જયશંકરે કહ્યું હતું કે આતંકવાદ અને વેપાર એકસાથે ન ચાલી શકે. ચીનનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે SCO સભ્ય દેશોએ સરહદોનું સન્માન કરવાની જરૂર છે.
કોરોના મહામારી તેમજ ઈઝરાયલ-હમાસ-હિઝબુલ્લાહ અને રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉલ્લેખ કરતાં જયશંકરે કહ્યું હતું કે આ બેઠક ખૂબ જ મુશ્કેલ સમયમાં થઈ રહી છે. ક્લાઇમેટ ચેન્જથી લઈને સપ્લાય ચેઇન સુધીની ઘણી સમસ્યાઓ છે, જેના કારણે વિકાસ પર અસર પડી રહી છે.
જયશંકરે કહ્યું હતું કે SCO સામે ત્રણ પડકાર છે – આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદ. આને દૂર કર્યા વિના સંસ્થા એના ઉદ્દેશને પ્રાપ્ત કરી શકશે નહીં. સંસ્થાના વિકાસ માટે, સભ્ય દેશોએ એકબીજા પર વિશ્વાસ અને પ્રામાણિક રહેવાની જરૂર છે.
SCOની બેઠક સવારે 11 વાગ્યે શરૂ થઈ છે, જેમાં SCOના વેપાર અને આર્થિક એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. 2:30 મિટિંગ પછી લંચ થશે. જયશંકર સાંજે 4 વાગ્યે પાકિસ્તાનથી ભારત જવા રવાના થશે.