અમેરિકામાં 9 નવેમ્બરે યોજાનાર મિડટર્મ ચૂંટણી માટે તૈયારીઓ જોરશોર પર છે. રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી પોત-પોતાના મુદ્દા સાથે મેદાને છે. રિપબ્લિકન પાર્ટી અમેરિકામાં વધતા ક્રાઈમ અને અપ્રવાસીઓની સમસ્યાને મુદ્દો બનાવી રહી છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ અને એરિઝોનાના ગવર્નર ડગ ડુસીએ પોત-પોતાનાં રાજ્યોમાં આવેલા વેનેઝુએલાના અપ્રવાસીઓને બસ અને વિમાનોમાં બેસાડી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વોશિંગ્ટનમાં આવેલા નિવાસે મોકલી દીધા હતા.
આ અપ્રવાસીઓને બીજે ક્યાંક લઈ જવાનું કહ્યું હતું. હવે વોશિંગ્ટનમાં આ અપ્રવાસીઓની તકલીફ વધી છે. અપેક્ષાકૃત ગરમ દેશ વેનેઝુએલાથી આવેલા અપ્રવાસીઓ ઠંડીથી પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ અપ્રવાસીઓ માટે કેટલાક એનજીઓ ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે.
વોશિંગ્ટન : અપ્રવાસી વધ્યા, ઈમરજન્સીની જાહેરાત
વોશિંગ્ટનમાં ગત 3 મહિનામાં 20 હજાર અપ્રવાસી આવી ચૂક્યા છે. તેના લીધે અહીંની સામાજિક સુરક્ષા વ્યવસ્થા બગડી છે. વોશિંગ્ટનના મેયર મુરિલ બાઉરે ગત અઠવાડિયે વોશિંગ્ટન ડીસીમાં પબ્લિક ઈમરજન્સીની જાહેરાત કરી હતી. તે હેઠળ એન્ટ્રી પહેલાં રાજ્યની બોર્ડર પર ચેકિંગ થઇ રહ્યું છે.
પહેલાં ટ્રમ્પ ગમતા નહોતા, હવે ભોગવો : રિપબ્લિકન
રિપબ્લિકન પાર્ટીના સેનેટરો કહે છે કે તેમના નેતા ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે અમેરિકામાં આવનારા અપ્રવાસીઓને મોટો ખતરો ગણાવ્યો હતો. ડેમોક્રેટિક પાર્ટીના નેતા તે સમયે ટ્રમ્પની બુરાઈઓ કરતા હતા. હવે જ્યારે ડેમોક્રેટિક રાજ્યો અને રાજધાની વોશિંગ્ટનમાં અપ્રવાસીઓને મોકલ્યા તો હકીકત સામે આવી રહી છે.