રાજકોટમાં સમીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અડધીથી પોણી કલાક માટે 65થી 70 કિલોમિટરની ઝડપે મિનિ વાવાઝોડું ફૂંકાયું હતું જેમાં બે હોર્ડિંગ્ઝ અને 30થી વધુ ઝાડ જમીનદોસ્ત થઇ ગયા હતા. સદભાગ્યે જાનહાનિ થઇ ન હતી. મનપાએ હજુ થોડા સમય પૂર્વે જ તમામ એડ એજન્સીઓને ભાડે રાખેલા અને ખાનગી તમામ હોર્ડિંગ્ઝનો સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે કરાવેલો સ્ટેબિલિટી રિપોર્ટ માગ્યો હતો. જે આવે તે પહેલાં જ એજન્સીઓના હોર્ડિંગ્ઝ નાગરિકો માટે કેટલા જોખમી છે તેની પોલ ખૂલી ગઇ હતી. વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડતા મનપાના ચોપડે ત્રણથી આઠ મીમી વરસાદ નોંધાયો હતો. જો કે, પશ્ચિમના કેટલાક વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો.
રાજકોટ મનપાના ફાયર શાખાના સૂત્રોએ જણાવ્યા અનુસાર શહેરમાં સમીસાંજે મિનિ વાવાઝોડું ફૂંકાયું હતું. ચક્રાવાતની જેમ ફૂંકાયેલા વાવાઝોડાની તીવ્રતાને કારણે કિસાનપરા ચોક અને જાગનાથ-41માં બે હોર્ડિંગ્ઝ ધરાશાયી થઇ ગયા હતા. તેમજ સાધુ વાસવાણી રોડ પર શિલ્પન ટાવરવાળી શેરી, કોઠારિયા રોડ પર મેહુલનગર-3, 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે, લીમડા ચોક સહિત 30થી વધુ સ્થળે ઝાડ જમીનદોસ્ત થઇ ગયા હતા.
કિસાનપરા ચોકમાં હોર્ડિંગ્ઝ રોડ પર જ ધડાકાભેર પડતાં લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ ન હતી. હોર્ડિંગ્ઝ ધરાશાયી થઇ રસ્તા પર પડતાં વાહનચાલકોને નીકળવું મુશ્કેલ થઇ પડ્યું હતું. આથી પોલીસના જવાનો અને લોકોએ હોર્ડિંગ્ઝને સાઇડમાં ખસેડી રસ્તા પર ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જાગનાથ-41માં પણ હોર્ડિંગ્ઝ પડી જતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.