બાંગ્લાદેશમાં સંકટના કારણે ભારતને મોટો ફટકો પડી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘણી વસ્તુઓની આયાત અને નિકાસ થાય છે. વિદેશ મંત્રાલય અનુસાર નાણાવર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે 14 અબજ ડોલર (લગભગ 1.18 લાખ કરોડ રૂપિયા)નો વેપાર થયો હતો. ચાલુ નાણાવર્ષમાં તેમાં વધુ વધારો થવાની શક્યતા હતી. હવે બાંગ્લાદેશમાં બળવો થયો છે અને શેખ હસીનાએ વડાપ્રધાન પદ છોડી દીધું છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને ભારે અસર થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અનાજ, શાકભાજીથી માંડીને કપડાં, વીજળી વગેરે વસ્તુઓની આયાત-નિકાસ થાય છે. ભારતમાંથી સૌથી વધુ નિકાસ કરતી કંપનીઓને અસર પડશે તેમાં 12 લિસ્ટેડ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. જેમકે મેરિકો, પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ, ઇમામી, બેયર કોર્પ, GCPL, બ્રિટાનિયા, વિકાસ લાઇફકેર, ડાબર, એશિયન પેઇન્ટ્સ, પિડિલાઇટ, જુબિલન્ટ ફૂડવર્કસ અને બજાજ ઓટો જેવી ઘણી કંપનીઓ બાંગ્લાદેશમાં તેમની ઉપસ્થિતી ધરાવે છે.
આ સાથે બાંગ્લાદેશ ટ્રેન્ટ, PDS અને VIP ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓની સપ્લાય ચેઈનનો એક ભાગ છે. બાંગ્લાદેશની સ્થિતિની સૌથી વધુ અસર સેફોલા તેલ ઉત્પાદક કંપની મેરિકોના શેરમાં જોવા મળી હતી. કંપનીની આવકનો 11-12 ટકા હિસ્સો બાંગ્લાદેશમાં વેચાણમાંથી આવે છે. કંપનીના શેરમાં 7% થી વધુનો ઘટાડો થયો છે. એ જ રીતે પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝની સરેરાશ 25 ટકા આવક બાંગ્લાદેશમાંથી આવે છે.