રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ નાનામવા રોડ પર આવેલી પટેલ પેંડાવાલાની પેઢીમાંથી અધધ 2600 કિલો વાસી અને અખાદ્ય મીઠાઈનો નાશ કર્યો છે. પોશ વિસ્તારના રહેવાસીઓ જ્યાંથી ખરીદી કરે છે અને સામાન્ય બજાર ભાવ કરતા ઘણી ઊંચી કિંમતે પેંડા સહિતની મીઠાઈઓ વેચવા માટે જાણીતી પટેલ પેંડાવાલામાં તપાસ કરાઈ હતી. ફૂડ શાખાના જણાવ્યા અનુસાર આ સ્થળે મીઠાઈ અને ફરસાણનું ઉત્પાદન કરાતું હોવાથી કોલ્ડરૂમની ચકાસણી કરાઇ હતી. કોલ્ડરૂમમાં પેઢીમાં ઉત્પાદિત મીઠા માવા અને મીઠાઈ ભરેલી પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો પડ્યો હતો.
આ જથ્થામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમ મુજબ કોઇ વિગતો છપાઈ ન હતી. આ ઉપરાંત જથ્થામાં ફૂગ પણ જામી ગઈ હોય તેવી દેખાઈ હતી. તેથી આ સંગ્રહ કરેલા ખાદ્ય પદાર્થ વાસી અને પડતર તેમજ માનવ આહાર માટે અખાદ્ય હોવાનું જણાયું હતું. જેને લઈને 2600 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાઈજેનિક કંડિશન જાણવવા માટે નોટિસ આપીને નમૂના પણ લેવાયા છે.