રાજ્યમાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા તારીખ 3 એપ્રિલને સોમવારથી શરૂ થઇ રહી છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 3થી 8ના કુલ અંદાજિત 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજથી પોતાની જ સ્કૂલમાં વાર્ષિક પરીક્ષા આપશે. ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓની માત્ર મૌખિક પરીક્ષા જ લેવામાં આવે છે જ્યારે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવામાં આવશે. આગામી તારીખ 20 એપ્રિલ સુધી પરીક્ષાનો માહોલ રહેશે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, સોમવારથી રાજકોટ જિલ્લામાં પ્રાથમિકની ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ રહી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે પ્રકારની તમામ સુવિધા-વ્યવસ્થા શાળાઓમાં કરવામાં આવી છે.
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના અંદાજે દોઢ લાખ અને ખાનગી શાળાઓના પણ દોઢ લાખથી વધુ સહિત કુલ 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજથી વાર્ષિક પરીક્ષા આપશે. ધોરણ 3થી 8ની પરીક્ષાનો સમય સવારે 8 વાગ્યાનો રખાયો છે. ધોરણ-3માં આજે ગણિતનું પેપર લેવામાં આવનાર છે જ્યારે મંગળવારે ગુજરાતીનું પેપર લેવાશે. જ્યારે ધોરણ 4 અને 5માં આજે ગણિત, બુધવારે ગુજરાતી, ગુરુવારે પર્યાવરણ, શનિવારે હિન્દી અને 10મીએ અંગ્રેજીનું પેપર લેવાશે.