સમીર રાજપૂત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ લોકો માટે આહાર અંગે બહાર પાડેલી ગાઈડલાઈનમાં બજારમાં વેચાતા પ્રોટીન સપ્લિમેન્ટ્સના આડેધડ ઉપયોગ સામે ચેતવણી આપી છે. ખાસ કરીને યુવા વર્ગમાં બોડી બિલ્ડિંગની ઘેલછાને કારણે પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવાનું પ્રમાણ વધ્યું છે.ગાઈડલાઈનમાં સ્પષ્ટ જણાવાયું છે કે, લાંબા સમય સુધી તેના ઉપયોગથી કિડનીને ગંભીર અસર પહોંચે છે, લિવરને નુકસાન થાય છે તેમજ હાડકા નબળા પડે છે. શહેરમાં દર મહિને પ્રોટીન સપ્લિમેન્ટનો અંદાજે 30થી 35 કરોડનો ધંધો છે. આ સપ્લિમેન્ટ્સ ઓવર ધ કાઉન્ટર મળતા હોવાથી તેના વેચાણ પર કોઈ નિયંત્રણ નથી. જિમમાં જતા સંખ્યાબંધ લોકો તેનો આડેધડ ઉપયોગ કરે છે. પણ તેની આડઅસરોથી અજાણ છે. યોગ્ય મેડિકલ લાયકાત નહીં ધરાવતા જીમ ટ્રેનરથી માંડી ડાયેટિશિયન પ્રોટીન સપ્લિમેન્ટ્સ લખી આપતા હોય છે. છેલ્લા 5 વર્ષથી તેનો ઉપયોગ ખૂબ વધ્યો છે.
રોજિંદા આહારમાં 30 ટકાથી વધારે પ્રોટીનની આપણા શરીરને જરૂર નથી આઈસીએમઆરના રિપોર્ટ મુજબ દરેક વ્યક્તિને રોજિંદા આહારમાં 30 ટકા પ્રોટીનની જરૂર પડે છે. અર્થાત્ પ્રત્યેક વ્યક્તિના પ્રતિ કિલો વજન દીઠ પ્રતિ દિવસ 0.8થી 1 ગ્રામ પ્રોટીન જરૂરી હોય છે. જો તમે જીમમાં જતાં હોવ કે મેરેથોન રનર હોવ તો પણ આ પ્રમાણ 0.7 મિલિગ્રામથી વધુ હોવું જોઈએ નહીં. આનાથી વધુ પ્રમાણમાં પ્રોટીન લેવાથી મસલ્સના ગ્રોથમાં કોઈ વધારો થતો નથી. પ્રોટીન પાઉડરમાં રહેલા સુગર અને આર્ટિફિશિયલ સ્વીટનર કિડનીને મોટું નુકસાન કરી શકે છે. > ડો. રમેશ ગોયલ, એન્ડોક્રાયનોલોજિસ્ટ
100માંથી 20 ટકા લોકો કુપોષણ અને 20 ટકા અતિપોષણનો શિકાર બનેલાં છે સમાજમાં ફકત 60 ટકા લોકો જ પૂરતુ પોષણ મેળવી રહ્યાં છે. જ્યારે 20 ટકામાં કુપોષણ અને 20 ટકા અતિપોષણથી પીડાય છે. તેમ નેશનલ ન્યુટ્રિશિયન મોનિટરિંગ બ્યુરોના આંકડા પરથી જણાયું છે કે, 100માંથી 20 ટકામાં કુપોષણ અને 20 ટકા અતિપોષણથી પીડાય છે. ફકત 60 ટકા લોકોમાં નોર્મલ બીએમઆઇ (બોડી માસ ઈન્ડેક્સ) છે.