આ મહિનામાં તાઈવાનમાં બીજી વખત ભૂકંપ આવ્યો. સોમવારે સાંજે 5 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે દેશના પૂર્વ કિનારે 80થી વધુ આંચકા અનુભવાયા હતા. આમાં સૌથી વધુ ભૂકંપ 6.3ની તીવ્રતાનો હતો, જે ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 12 વાગ્યે આવ્યો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર હુઆલીયનની પૂર્વીય કાઉન્ટીમાં જમીનથી 5.5 કિલોમીટર નીચે હતું. ભૂકંપના કારણે રાજધાની તાઈપેઈમાં કેટલીક ઈમારતો ઝૂકી ગઈ હતી. જાપાન, ચીન અને ફિલિપાઈન્સમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી.
આ પહેલા તાઈવાનમાં 3 એપ્રિલે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 14 લોકોના મોત થયા હતા. ત્યાર બાદ તાઈવાનમાં સેંકડો આંચકા અનુભવાયા છે. અગ્નિશમન વિભાગે જણાવ્યું હતું કે 3 એપ્રિલના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત હુઆલીન કાઉન્ટીની હોટેલ તાજેતરના આંચકાને કારણે થોડી નમી ગઈ છે.