ભારતે ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં વેસ્ટઈન્ડિઝને 200 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું. વેસ્ટઈન્ડિઝના ઘરઆંગણે ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2022માં વેસ્ટઈન્ડિઝને તેના હોમગ્રાઉન્ડ પર 119 રનના માર્જીનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારતીય ટીમે વેસ્ટઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણી પણ જીતી લીધી હતી. ટીમે કેરેબિયન્સને 2-1થી હરાવ્યું. ભારતે વેસ્ટઈન્ડિઝ સામે સતત 14મી શ્રેણી જીતી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે પોર્ટ ઓફ સ્પેનમાં 50 ઓવરમાં 5 વિકેટે 351 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 35.3 ઓવરમાં 151 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં શાનદાર બેટિંગ કરી હતી. ટીમે 5 વિકેટ ગુમાવીને 351 રનનો સ્કોર બનાવ્યો હતો અને વેસ્ટઈન્ડિઝને 352 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા 70, શુભગન ગિલ 85, ઈશાન કિશન 77 અને સંજુ સેમસને 51 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે 35 રનનું યોગદાન આપ્યું હતું.
વેસ્ટઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે બે વિકેટ ઝડપી હતી. અલ્ઝારી જોસેફ, ગુડાકેશ મોતી અને યાનિક કારિયાને એક-એક વિકેટ મળી હતી.