80 ફૂટ રોડ, નિત્યમ વિલા સોસાયટીમાં રહેતા બાબુભાઇ પ્રાગજીભાઇ કાનપરિયા નામના વેપારીએ ભાવનગર રોડ, આરએમસી ઓફિસ સામે યશ કોમ્પ્લેક્સમાં રહેતા મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ભોપાલગઢ ગામના સત્યનારાયણ સોની અને તેના પુત્ર મનોહર સત્યનારાયણ સોની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પેડક રોડ પર એસ.એસ.ઓ કોર્પોરેશનના નામથી ભાગીદારીમાં ચાંદીકામની પેઢી ધરાવતા બાબુભાઇની ફરિયાદ મુજબ તેઓ ચાંદીના ઘરેણાં બનાવવાનો વેપાર કરતા હોય ઉપરોકત આરોપી પિતા-પુત્ર સાથે બે વર્ષથી ઓળખાણ હોય તેમને ઘરેણાં બનાવવા કાચો માલ આપતા હતા. ગત માર્ચ મહિનામાં મનોહર સોનીને ઘરેણાં બનાવવા 21 કિલો ચાંદી વાઉચર પર આપ્યું હતું. પાંચ દિવસ બાદ મનોહર સોની 7 કિલો ચાંદીના ઘરેણાં જમા કરાવી ગયો હતો. જ્યારે બાકીના 14 કિલો માલ છ-સાત દિવસમાં આપી જવાની વાત કરી હતી.
વાયદા મુજબના દિવસો વિતી જવા છતા માલ નહીં આપી જતા મનોહરને ફોન કર્યો હતો. પરંતુ તેનો મોબાઇલ બંધ આવતા સત્યનારાયણ સોનીને ફોન કરતા તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો. પોતાની સાથે રૂ.6.24 લાખના કિંમતની 14 કિલો ચાંદી ઓળવી જનાર પિતા પુત્રે દેવ સિલ્વર આર્ટના નામથી વેપાર કરતા સંજયભાઇ રામજીભાઇ અમીપરા પાસેથી રૂ.15 લાખની કિંમતની 37 કિલો ચાંદી લઇ જઇ ઘરેણાં બનાવી પરત કર્યા ન હોવાનું જાણવા મળ્યું હતુ. આમ કુલ રૂ.21.24 લાખના કિંમતની ચાંદી લઇ રાજસ્થાન નાસી જનાર પિતા-પુત્ર સામે એ ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.