રાજકોટની નવી કોર્ટમાં એક વર્ષ બાદ ફરી એ જ તારીખે મોટો વિવાદ સર્જાયો છે. નવા કોર્ટ બિલ્ડિંગમાં પાંચમા માળે કોર્ટરૂમમાં વીડિયો રેકોર્ડિંગ કરવાની ના પાડનાર વકીલ પર તેના અસીલ પઢિયારબંધુએ હુમલો કર્યા બાદ વચ્ચે છોડાવવા માટે વચ્ચે પડેલી જુનિયર મહિલા વકીલને પણ બચકાં ભરી પછાડી દઇ તેના માથે ચડી બેરહેમીથી માર મારતા અન્ય વકીલો ભેગા થઇ ગયા હતા અને બન્ને ભાઇઓને આડે હાથ લીધા હતા.
દરમિયાનમાં પોલીસે બન્ને ભાઇઓની અટકાયત કરી કોર્ટના કસ્ટડી રૂમમાં બંધ કરી દીધા હતા. આ ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ સહિતનો મોટો પોલીસ કાફલો કોર્ટ ખાતે દોડી ગયો હતો અને બન્ને હુમલાખોરોને પોલીસ મથક લઇ જવા પ્રયાસો કર્યા હતા.
પરંતુ રોષે ભરાયેલા વકીલો મચક આપતા ન હોવાથી ભારે તંગદિલી પ્રસરી ગઇ હતી અને લગભગ ચારથી સાડા ચાર કલાક સમાધાનના પ્રયાસ બાદ એસીપી ભારાઇ આવ્યા હતા અને ત્યારબાદ હુમલાખોરોને યુનિવર્સિટી પોલીસ મથકે લઇ જવા કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ સમયે પણ વકીલોએ બન્ને હુમલાખોરો પર હુમલો કરી માર મારતા પોલીસ મહામહેનતે બન્ને ભાઇઅોને જીપમાં બેસાડીને કોર્ટમાંથી બહાર કાઢયા હતા.