કાશ્મીર ખીણમાં આ વર્ષે ઓછી હિમવર્ષા થઈ છે. આ વખતે કાશ્મીરમાં છેલ્લાં 20 વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા નોંધાઈ છે. શિયાળામાં સરેરાશ 30 સેમી હિમવર્ષાની સરખામણીએ માત્ર 18 સેમી જ બરફ પડ્યો છે. હિમવર્ષામાં લગભગ 40 ટકાનો ઘટાડો નોંધાયો. શ્રીનગરની શેર-એ-કાશ્મીર યુનિવર્સિટીના ઉમર અહેમદનું કહેવું છે કે ઓછી હિમવર્ષાને કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તીવ્ર ગરમી પડશે.
શ્રીનગરમાં માર્ચમાં સરેરાશ મહત્તમ તાપમાન 4 ડિગ્રી વધીને 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જમ્મુ-કાશ્મીર હવામાન વિભાગના નિર્દેશક સોનમ લોટસનું કહેવું છે કે ઓછી હિમવર્ષાને કારણે સિંચાઈને સૌથી વધુ અસર થશે. કાશ્મીરમાં ચોખાના 1,34,067 હેક્ટર વિસ્તારમાં ઉત્પાદનને અસર થશે. 3,38,000 હેક્ટરના બાગાયત વિસ્તારને પણ અસર થવાની ધારણા છે.