રાજકોટ શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે મેઘરાજાએ મન મૂકી વરસવાનું શરૂ કર્યું હતું. બપોર બાદ વરસાદી વાતાવરણ વચ્ચે એકાએક ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. શહેરમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. ધોધમાર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને લોકો રસ્તા પર વરસાદની મજા માણતા નજરે પડ્યા હતા.
રાજકોટ શહેરમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે સાંજના સમયે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક ઇંચ વરસાદે જાણે મનપા તંત્રની પોલ ખોલી દીધી હોય તેમ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેમાં રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, રામાપીર ચોક, માધાપર ચોક સહીત વિસ્તરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. સાંજના 6થી 8 વાગ્યા સુધી બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો અને રસ્તા પાણી પાણી થઈ ગયા હતા.