છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે જેને કારણે યાર્ડમાં રહેલા ધાણા સહિતની જણસી પલળી ગઈ હતી. હજુ એપ્રિલમાં પણ વરસાદની આગાહી છે ત્યારે બેડી યાર્ડે હરાજી માટે નવી વ્યવસ્થા ગોઠવી છે જેમાં મગફળી, લસણ,ધાણા, ઘઉં, ચણા, એરંડામાં આ વ્યવસ્થા અમલી કરાશે. આ જણસી ભરેલા વાહનોને સવારે 5.00 કલાકે પ્રવેશ આપી દેવામાં આવશે. હરાજીના ત્રીસ મિનિટ પહેલા વાતાવરણ જોવામાં આવશે કે વાતાવરણ કેવું છે ત્યાર બાદ હરાજીનો નિર્ણય લેવામાં આવશે. જ્યારે બાકીની જણસી રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ જણાવ્યું છે.
વધુમાં તેણે જણાવ્યુ હતું કે, આ જણસી છે તે ખુલ્લામાં રાખવામાં આવે છે. જો વરસાદ આવે તો જણસી પલળી જાય તો વેપારી,ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે. જ્યાં સુધી આદેશ નહિ મળે ત્યાં સુધી આ વાહનો ઢાંકીને જ રાખવાના રહેશે. જો વાતાવરણ ચોખ્ખું હશે તો હરાજી માટે કરવામાં આવશે અન્યથા જણસી ભરેલા વાહનો એમને એમ યથાવત જ રાખવામાં આવશે. આ વ્યવસ્થા આગામી 15 એપ્રિલ સુધી ચાલુ રાખવામાં આવશે ત્યારબાદ આ વ્યવસ્થા યથાવત રાખવી કે તેમાં બદલાવ કરવો તે પછી નિર્ણય લેવામાં આવશે. જો કે જ્યાં સુધી હરાજી નહિ થાય ત્યાં સુધી ખેડૂતો પોતાના વાહનો યાર્ડમાં રાખી શકે તેવા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.