કિદાંબી શ્રીકાંત, એચએસ પ્રણોય અને સાત્વિકસાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ જકાર્તામાં રમાઈ રહેલી ઈન્ડોનેશિયા ઓપનની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જીત નોંધાવી હતી. જ્યારે પીવી સિંધુ અને લક્ષ્ય સેન હારીને ઈન્ડોનેશિયા ઓપન વર્લ્ડ ટૂર સુપર 1000 ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.
શ્રીકાંતે સતત ત્રીજી વખત લક્ષ્યને હરાવ્યો
મેન્સ સિંગલ ઈવેન્ટમાં ભારતીય શટલર લક્ષ્યે શ્રીકાંતને જોરદાર ટક્કર આપી હતી પરંતુ વિશ્વના અનુભવી નંબર વન ખેલાડીએ 45 મિનિટની મેચમાં 21-17 22-20થી મેચ જીતી લીધી હતી. બંને ખેલાડીઓની ત્રણ મેચમાં શ્રીકાંતની આ ત્રીજી જીત છે.
આગામી રાઉન્ડમાં તેનો મુકાબલો ચીનની લી શી ફેંગ સામે થશે. અન્ય એક મેચમાં ફેંગે સિંગાપોરના ચોથા ક્રમાંકિત લોહ કીન યૂને 21-19 21-14થી હરાવ્યો હતો.
પ્રણોયે હોંગકોંગના એંગસ લોંગને હરાવ્યો હતો
સાતમા ક્રમાંકિત પ્રણોયે 43 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં હોંગકોંગના એંગસ લોંગને 21-18, 21-16થી હરાવ્યો હતો. પ્રણય ત્રીજા રાઉન્ડમાં જાપાનના કોડાઈ નારોકા સામે ટકરાશે. મેન્સ ડબલ્સમાં સાત્વિક-ચિરાગની જોડીએ ચીનની ઝોઉ હાઓ ડોંગ-હે જી ટિંગની જોડીને 21-17, 21-15થી હરાવ્યો હતો.