પોરબંદર રાજકોટ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની મુસાફર જગતની લાંબા સમયની માગણી હતી અને તેના અનુસંધાને આ ટ્રેન શરૂ કરવામાં આવતાં ઉતારુઓમાં રાહત ફરી વળી છે તો બીજી તરફ ઉપલેટા ચેમ્બરની લાંબા સમયની રજૂઆતને સફળતા સાંપડી છે. હવે ઉપલેટાથી રાજકોટ આવવા માટે વ્યક્તિદીઠ ટ્રેન ભાડું રૂ. 50 ખર્ચવાના રહેશે.
ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સએ જણાવ્યું છે કે ઉપલેટા શહેરમાં રેલ્વેની સુવિધા બાબતે વેસ્ટર્ન રેલ્વે જનરલ મેનેજરને મળીને ટ્રેન અંગે રજૂઆત કરવામાં આવી હતી જેમાં પોરબંદર – રાજકોટ ડાયરેકટ ટ્રેન આપવા, ઉપલેટા શહેરમાં - લાંબા અંત૨ની ટ્રેનના સ્ટોપ અંગે પ્લેટફોર્મ ટુંકુ પડતું હોય તે યોગ્ય કરવા અને ભાવનગર જેતલસર ટ્રેન ચાલુ છે.
તેને પોરબંદર સુધી લંબાવવાની રજુઆત ઘણા સમયથી કરવામાં આવી રહી હતી અને તેનો સફળ પડઘો પડ્યો છે. વેસ્ટર્ન રેલ્વેએ શુક્રવારથી રાજકોટ-પોરબંદર ટ્રેન શરૂ કરી આપી છે. અન્ય પ્લેટ ફોર્મ લંબાવવાનું ટેન્ડર અને વર્ક ઓર્ડેર જારી થઈ ગયા છે અને કામ પણ શરૂ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.