કર્ણાટકમાં વરસાદે 90 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દેશના આઇટી કેપિટલ બેંગલુરુના માર્ગો પર બોટ ચાલી રહી છે. સ્કૂલોમાં રજાઓ આપી દેવાઇ છે અને કંપનીઓએ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા કહ્યું છે. અહીં 30 દિવસના વરસાદનો ક્વોટા 6 દિવસમાં પૂરો થયો છે. 215 મિ.મી.થી વધુ વરસાદ થઇ ચૂક્યો છે.
ઓગસ્ટમાં સરેરાશથી બમણો વરસાદ થયો. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. પૂર માટે માત્ર વરસાદ જવાબદાર નથી. પાણીના નિકાલના માર્ગ પરના 600 દબાણ પણ મોટું કારણ છે. બેંગલુરુ મહાનગરપાલિકાએ પહેલીવાર આ દબાણો સ્વીકાર્યા છે અને તે હટાવવાની કામગીરી પણ શરૂ થઇ ચૂકી છે.
64 દબાણ તોડી પડ્યાં છે. છેલ્લા 2 દાયકાથી આઇટી ઉદ્યોગ સ્થાપવાના અને સગવડો આપવાના નામે પાણીનો નિકાલ થતો હતો તેવા સ્થળોએ દબાણ થયું, જેના કારણે આખો આઇટી કોરિડોર પાણીમાં ડૂબ્યો છે. દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ બેંગલુરુના જૂના વિસ્તારોમાં પણ આવો જ વરસાદ થવા છતાં ત્યાં પૂરની સ્થિતિ નથી.
નેતાઓ-બિલ્ડરોની સાંઠગાંઠથી દબાણોની શરૂઆત થઇ
બેંગલુરુમાં 1990ના દાયકાના અંતમાં મહાદેવપુરામાં આઇટી પાર્ક બનવાના શરૂ થયા પણ ત્યાં સુધી પહોંચવામાં ઘણી તકલીફો હતી. તેથી કંપનીઓએ બહેતર કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માગ કરી. સરકારે આઇટી પાર્ક્સને શહેરના અન્ય વિસ્તારો સાથે જોડવા આઉટર રિંગ રોડ બનાવ્યો. તેના કારણે કે. આર. પુરમ, હોસકોટે, મહાદેવપુરા, વ્હાઇટફીલ્ડ, કડુગોડી, બેલંદૂર અને હોસુર ક્ષેત્રમાં રિયલ એસ્ટેટમાં મોટો ઉછાળો આવ્યો. પરિણામ એ આવ્યું કે 2004 બાદ બેંગલુરુથી મોટેભાગે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો ધારાસભ્યપદે ચૂંટાયા. આ રીતે ગેરકાયદે બાંધકામોનો માર્ગ ખુલી ગયો. ધીમે-ધીમે વરસાદી પાણીના નિકાલ માટેના રસ્તા પર પણ બાંધકામ થઇ ગયા. મેટ્રો રેલનું પણ કામ ચાલુ હોવાથી ટ્રાફિક અને જળપ્રવાહ બંનેને અસર થઇ. શહેરના વિવિધ તળાવો છલકાતાં તેમના પાણી રિંગ રોડ પર ફરી વળ્યા.