દેશમાં ઘરેલું બચત ફરીથી જોવા મળી રહી છે જેમાં વર્ષ 2020-21 બાદ સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો અને આગામી દાયકામાં તે અર્થતંત્ર માટે સૌથી ટોચના ધિરાણદારો રહેશે તેવું RBIના ડેપ્યુટી ગવર્નર માઇકલ દેબબ્રાતા પાત્રાએ જણાવ્યું હતું. ભારતમાં દરેક પરિવાર તેના રોકાણ કરતાં વધુ એટલે કે સરપ્લસ બચતનું સર્જન કરે છે જે તેઓ અન્ય સેક્ટર્સને ધિરાણ તરીકે આપે છે.
કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ફાઇનાન્સિંગ સમિટના સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તાજેતરના સમયગાળામાં દેશના અનેક ઘરોમાં નાણાકીય બચત તેના વર્ષ 2020-21ના સ્તર કરતાં અડધી થઇ ગઇ હતી જેનું કારણ લોકોના વલણમાં જોવા મળેલો ફેરફાર હતો. લોકો ફાઇનાન્સિયલ એસેટ્સમાંથી હાઉસિંગ જેવી ફિઝિકલ એસેટ્સ તરફ રોકાણ માટે વળ્યા હતા જેને કારણે પણ ઘરેલુ બચતમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.
આગામી તબક્કામાં, લોકોની આવકમાં વૃદ્ધિને કારણે પરિવારો ફરીથી તેની ફાઇનાન્સિયલ એસેટ્સનું સર્જન શરૂ કરશે. આ પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે કારણ કે ઘરની ફાઇનાન્સિયલ એેસેટ્સ વર્ષ 2011-17ના જીડીપીના 10.6%થી વધીને 2017-23 (કોવિડના વર્ષને બાકાત કરતા) દરમિયાન વધીને 11.5%ના સ્તરે પહોંચી ચુકી છે.