આ વર્ષના જુલાઈ મહિનાએ સૌથી વધુ ગરમ મહિનાનો ઇતિહાસ સર્જ્યો હતો. સમગ્ર વિશ્વમાં જુલાઈમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું. જોકે એ સમયે દેશની એક નદીમાં પૂર આવ્યું હતું અને એ નદી એટલે કાશ્મીરની ઝેલમ. જોકે પૂર ઓસરતાંની સાથે જ ઝેલમ નદી ઝડપથી સુકાવા પણ લાગી હતી. ઑગસ્ટમાં કાશ્મીરમાં સૌથી ઓછો વરસાદ પડવાને કારણે ઝેલમ સૂકીભઠ્ઠ થવાની તૈયારીમાં છે. એટલું જ નહીં, નદીમાં પાણી ઓછું રહે તો રેતખનન સરળતાથી કરી શકાય તેવી મેલી મુરાદ ધરાવતા રેતમાફિયાઓ પણ ઝેલમના શત્રુ બન્યા છે.
બીજી તરફ રાજ્ય સરકારે ડાલ લેકનું જળસ્તર વૉટર ગેટની મદદથી જાળવી રાખ્યું હોવાથી ઝેલમથી 1 કિલોમીટર દૂર આવેલું ડાલ લેક પ્રવાસીઓથી છલકાઈ રહ્યું છે. 18 વર્ષમાં 10 સપ્ટેમ્બરનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો. સોમવારે પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.7 ડિગ્રી વધુ 32.9 ડિગ્રી નોંધાયું હતું. એક-દોઢ મહિનાના ઉનાળામાં ઝેલમ નદી 40% સુકાઈને વરસાદી નદી જેવી થઈ ગઈ છે. આ કારણે અહીંનો હાઉસબોટ ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે. સામાન્ય રીતે અહીં એક રાતનું ભાડું 2 હજાર રૂપિયા હતું. પ્રવાસીઓ ઓછા આવતાં હાઉસબોટના માલિકોએ ભાડું ઘટાડીને 1 હજાર રૂપિયા કરી દીધું છે આમ છતાં સહેલાણીઓ આવતા નથી.