પહેલો સગો પાડોશી પરંતુ શહેરના નવલનગર વિસ્તારમાં રહેતા એક શખ્સે પાડોશી બીમાર વ્યક્તિને મદદના બહાને સહાનુભૂતિ કેળવી તેની પત્ની પર નજર બગાડી હતી અને બીમાર વ્યક્તિની પત્ની પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, મહિલાએ પ્રતિકાર કરતાં આરોપીએ તેને ફડાકા માર્યા હતા અને વાળ ખેંચીને મહિલાને ઢસડી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
નવલનગર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જગદીશ ઉર્ફે દાના હરિ સિંધવનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં નવ વર્ષની પુત્રી છે, ચાર વર્ષ પૂર્વે તેમના પતિને કેન્સરની બીમારી થતાં એ વિસ્તારમાં રહેતા જગદીશ ઉર્ફે દાનાના પરિવાર સાથે પરિચય થયો હતો અને જગદીશ અવારનવાર મહિલાના ઘરે જવા લાગ્યો હતો, એક રાત્રીના જગદીશ મહિલાનો પતિ નોકરી પર ગયો હતો.
ત્યારે ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલા પાસે શરીરસંબંધની માંગ કરી હતી મહિલાએ ના કહેતા જગદીશે તેને ફડાકા માર્યા હતા અને બાજુમાં સૂતેલી નવ વર્ષની બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું, આ ઘટનાના બે મહિના બાદ ફરીથી જગદીશે મહિલાને બદનામ કરી દેવાની ધમકી આપી મહિલા સાથે શરીરસંબંધ બાંધ્યા હતા.
પતિ બીમાર હોય તેમજ સમાજમાં બદનામી થવાના ભયથી મહિલા કોઇને કહેતી નહોતી અને આ મજબૂરીનો ગેરલાભ ઉઠાવી જગદીશ વારંવાર મહિલા સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધવા લાગ્યો હતો, ગત તા.17 ઓગસ્ટના મહિલા પોતાના ઘરે હતી ત્યારે ફરીથી જગદીશ ઘરમાં ઘુસ્યો હતો અને મહિલાની કમર પકડી શરીરસંબંધ બાંધવા દબાણ કર્યું હતું પરંતુ મહિલાએ ઇનકાર કરતાં જગદીશે તેને ફડાકા માર્યા હતા અને તેણે પહેરેલું કડું ફટકારતા મહિલાના કપાળ પરથી લોહી નીકળવા લાગ્યું હતું.