સપ્તાહના બીજા દિવસે પીએસયુ અને રિયાલ્ટી શેર્સમાં મોટાપાયે વેચવાલીના પગલે ભારતીય શેરબજારમાં મોટી અફડાતફડી સાથે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપ્રમુખ પદે કામગીરી સંભાળવાની સાથે રોકાણકારોમાં સકારાત્મક પગલાંઓનો આશાવાદ વધ્યો છે. જો કે, ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે જ કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાદી દેતાં વૈશ્વિક બજારોમાં ફરી એકવાર ટેરિફ વોર શરૂ થવાની ભીતિએ એશિયન બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં અંદાજીત 1200 પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો વધુ તુટ્યો હતો, જયારે અમેરિકામાં ક્રૂડતેલના ઉત્પાદનમાં ડ્રીલીંગ એકટીવીટી તાજેતરમાં ઘટી ત્રણ વર્ષના તળીયે પહોંચ્યા પછી હવે ત્યાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ક્રૂડતેલ તથા ગેસનું ઉત્પાદન વધારવા સક્રિયતા બતાવશે એવી શક્યતાએ વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.00% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.94% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, સર્વિસીસ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4088 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2788 અને વધનારની સંખ્યા 1187 રહી હતી, 113 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.