ગત વર્ષે રશિયા અને યુક્રેન યુદ્ધની શરૂઆત થતાં જ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્યને લઇને ચર્ચાઓ થતી જોવા મળે છે. ત્યારે હવે એક રિપોર્ટ પ્રમાણે પુતિનની તબિયત અત્યારે બરાબર નથી. તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ છે, જે ડોક્ટરો માટે માથાના દુખાવા સમાન છે.
મેટ્રોના એક રિપોર્ટ પ્રમાણે, રશિયાના રાષ્ટ્રપતિને મગજનો સતત અને ખૂબ જ દુખાવો રહ્યા કરે છે. આ સાથે જ તેમને ધૂંધળું દેખાય છે. આ ઉપરાંત તેમની જીભ પણ હવે થોથવાય છે. પુતિનના આ હાલ પર તેમની સારવાર કરનાર ડોક્ટોરો પણ ખૂબ જ ચિંતિત છે. પુતિનને લઈને આ રિપોર્ટ ત્યારે આવ્યો છે, જ્યારે તેમની બગડતી તબિયતને લઈને અફવાઓ ફેલાઈ રહી છે.
આ રિપોર્ટમાં એવું આગળ વધુમાં જણાવવામાં આવ્યું છે કે પુતીનના જમણા હાથ અને પગ એકદમ સુન્ન થઈ ગયા છે. આ વાત તેમણે પોતે ડોક્ટરોને જણાવી છે. રિપોર્ટ પ્રમાણે, ડોક્ટરોએ પુતિનને દવા લેવાની અને પ્રાથમિક સારવાર બાદ આરામ કરવાની સલાહ આપી છે. જોકે પુતિન ડોક્ટરોની સલાહને અવગણીને સતત કામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પુતિનની હાલતમાં થોડો સુધારો થયો છે, જેના કારણે ડોક્ટરોની ટીમ થોડી ઓછી ચિંતિત છે.
પુતિનની બગડતી તબિયતને લઈને તેમના સંબંધીઓ વધુ ચિંતિત છે, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પુતિનની તબિયત પહેલાં કરતાં વધુ બગડી ગઈ છે. જેના કારણે તેની નજીકના લોકો તણાવમાં રહે છે.