વર્ષ 2027 સુધીમાં ભારત ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે અને વર્ષ 2047 સુધીમાં $35 ટ્રિલિયનનું અર્થતંત્ર બનવા માટે ઝડપી દરે વૃદ્ધિ પામે તે જરૂરી હોવાનું દેશના જી20 શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસ. દ્વારા યોજાયેલી ઇવેન્ટને સંબોધિત કરતા કાંતે જણાવ્યું હતું કે ભારતે આગામી ત્રણ દાયકાઓ દરમિયાન વાર્ષિક 9-10%ના દરે વૃદ્ધિ નોંધાવી પડશે.
ભારત વર્ષ 2027 સુધીમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે. જાપાન, યુકે અને જર્મની મંદીના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે અને આપણે વધુ ઝડપે આગળ વધવું પડશે. અત્યારે, ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને 31 માર્ચ, 2024 સુધીમાં ભારતીય અર્થતંત્ર $3.6 ટ્રિલિયનનું થશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એક સમયે ભારત બેલેન્સ શીટની સમસ્યાથી ઝઝુમી રહ્યું હતું પરંતુ ત્યાંથી ભારતે ખૂબ જ પ્રગતિ કરી છે. પશ્ચિમી દેશોમાં જ્યાં ગૂગલ, ફેસબુક, એમેઝોન, મેટા અને એપલની ઇનોવેશન જોવા મળી છે ત્યારે બીજી તરફ ભારતે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાકાત દર્શાવી છે. વર્ષ 2047 સુધીમાં ભારત સ્વચ્છ ઉર્જાનો નિકાસકાર બનશે.
અમારું લક્ષ્ય સૌથી સસ્તું ઉત્પાદક, ગ્રીન હાઇડ્રોજન અને લિક્વિડી ફોમ એમોનિયાના સૌથી કિફાયતી નિકાસકાર અને ઇલેક્ટ્રોલાઇઝરના સૌથી મોટા ઉત્પાદક બનવાનો છે. આગામી વર્ષમાં, ભારત ટકાઉ શહેરીકરણ, વધુ કૃષિ ઉત્પાદકતા તેમજ વધુ નિકાસના દમ પર આગળ વધશે.
છેલ્લા એક દાયકામાં ભારતની ગ્રોથ સ્ટોરી અંગે વાત કરતા કાંતે જણાવ્યું હતું કે વર્ષ 2014માં સત્તા પર આવેલી નવી સરકાર સામે અનેક આર્થિક પડકારો હતા. એ દરમિયાન કરવામાં આવેલા સુધારા જેમ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જાહેરાત, અર્થતંત્રનું આધુનિકીકરણ, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને બેંક્રપ્સી અને ઇનસોલ્વન્સી કોડ મેક્રોઇકોનોમિક સ્તરે સ્થિરતા હાંસલ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ગ્રોથ વેગવાન બની રહેશે.