કાલે બુધવારે લોહાણા સમાજ વીર જશરાજદાદાના શૌર્ય દિવસની ઉજવણી કરશે. જે અંતર્ગત રેસકોર્સ મેદાન ખાતે નાત જમણનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજરોજ રેસકોર્સ ખાતે રાત્રે 9 કલાકે ગૌશાળાના લાભાર્થે રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાયરાનું આયોજન કરાયું છે. લાખણશીભાઈ ગઢવી, દેવાયત ખવડ સહિતના કલાકારો વીરરસ તથા લોકસાહિત્યની રંગત સાથે શ્રોતાઓને રસ તરબોળ કરી દેશે. લોકડાયરામાં જે રકમ એકત્રિત થશે તે રકમ ગૌ સેવા માટે વાપરવામાં આવશે.
જ્યારે બુધવારે વીર જશરાજદાદાના શૌર્ય દિવસની ઉજવણીના દિવસે રેસકોર્સ ખાતે સાંજે 7.00 કલાકે નાત જમણનું આયોજન કરાયું છે.નાત જમણ અને શૌર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું હતુ. જે રેલી જિલ્લા પંચાયત ચોક ખાતેથી નિકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જે રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો, યુવતી અને મહિલાઓ તેમજ સિનિયર સિટીઝનો સાફા પહેરી જોડાયા હતા. રાજકોટના સમસ્ત રઘુવંશી પરિવારને નાત જમણના મહાપ્રસાદનો અચૂક લાભ લેવા અને ડાયરામાં જોડાવા માટે રઘુવંશી સમાજના મયૂર નથવાણી અને નિરવ રાયચુરાએ અનુરોધ કર્યો છે.