છેલ્લા ઘણા સમયથી રાજકોટ એરપોર્ટ પરથી ઇન્દોર અને ઉદયપુરની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની વાત ચાલી રહી હતી જેમાં હવે ખાનગી એરલાઇન્સ કંપનીએ સત્તાવાર બુકિંગ શરૂ કરતા આગામી તારીખ 1 જુલાઈથી રાજકોટ-ઇન્દોર અને રાજકોટ-ઉદયપુર જવા માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે. રાજકોટનું નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થાય તે પહેલા નવી હવાઈ સુવિધા શરૂ કરવામાં આવી છે. રાજકોટથી ઉદયપુર જવા માટેની ફ્લાઈટ સવારે 8.40 કલાકે એરપોર્ટથી ટેકઓફ થશે અને 9.55 કલાકે ઉદયપુર એરપોર્ટ પર લેન્ડ થશે.
જ્યારે રાજકોટથી ઇન્દોરની ફ્લાઈટ સવારે 11.55 કલાકે રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરશે અને બપોરે 2 કલાકે ઇન્દોર એરપોર્ટ પર લેન્ડ થશે.1 જુલાઈથી રાજકોટ-ઉદયપુર અને રાજકોટ-ઈન્દોર બે નવી ડેઈલી ફ્લાઈટની ઉડાન શરૂ કરવામાં આવનાર છે. ઈન્ડિગો એરલાઈન્સ કંપનીએ હવે 1 જુલાઈથી આ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઈન્દોર અને ઉદયપુરની સીધી ફ્લાઈટ શરૂ કરવા રાજકોટના વિવિધ સંગઠનો અને ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલી માંગને લઈ બંને ફ્લાઈટ શરૂ કરવા નિર્ણય કર્યો છે. રાજકોટ એરપોર્ટમાં મુંબઈ-દિલ્હી, બેંગ્લોર, સુરતની ડેઈલી સેવા ઉપલબ્ધ છે.