ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી તિરુપતિ સોસાયટી-4માં રહેતા અને ખાનગી પેઢીમાં નોકરી કરતા રાજેશ રમેશભાઇ ભલગામ નામના યુવાને મહેશ વલ્લભ દુધાત્રા, રવિ વસંત ભંડેરી, વિરાજ અને કુલદીપ સુરેશ ડાંગર નામના શખ્સ સામે રૂ.7.67 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
યુવાનની ફરિયાદ મુજબ, ગત વર્ષ પોતાને ગાય-ભેંસનો તબેલો કરવો હોય મિત્ર રવિ અને કુલદીપને વાત કરી હતી. જેથી બંનેએ તને તબેલો કરવા માટે પ્લોટ બતાવીશું અને તને સસ્તામાં ગાયો પણ ખરીદાવી દઇશુંની વાત કરી હતી. રવિએ મિત્રના પિતા વિરાજભાઇ પાસેથી તને ભાડેથી પ્લોટ અપાવું છું, તું મને 25 હજાર આપવાની વાત કરતા તા.29-3-2022ના રોજ ઓનલાઇન નાણાં આપ્યા હતા. પૈસા દેવા છતાં પ્લોટ અપાવડાવ્યો ન હતો.
બાદમાં કુલદીપે મહેશ દુધાત્રા સાથે ઓળખાણ કરાવડાવી હોય મહેશે પૈસા આપો તો ગાયો લાવી દેવાની વાત કરી હતી. જેથી મહેશને તા.15-2-2022ના રોજ મહેશને રૂ.દોઢ લાખ આપ્યા હતા. તેને પણ નાણાં આપ્યા બાદ ગાય કે ભેંસ કંઇ લાવી આપ્યું ન હતું. ત્યાર બાદ કુલદીપે તબેલા માટે જૂનું એક વાહન રાખવાની વાત કરી પોતાની પાસેથી રૂ.15 હજાર લીધા હતા. તેને પણ વાહન લઇ આપ્યું ન હતું. ત્યાર પછી કુલદીપે પોતાની પાસેથી રૂ.10 હજાર ઉછીના લીધા હતા અને આ પૈસા તેને પરત કરવાને બદલે પોતે તબેલાનો સામાન લેવામાં રૂપિયા વાપરશેની વાત કરી હતી.
ત્યાર બાદ તા.1-4-2022ના રોજ વિરાજે વિક્રમ નામના શખ્સને પ્લોટ દેખાડવા મોકલ્યો હતો. જેથી વિક્રમે સોખડા હાઇવે પાસે એક પ્લોટ બતાવ્યો હતો. અને વિરાજભાઇ સાથે ભાગમાં પ્લોટ લેવા માટે પ્લોટના માલિકના દીકરાને રૂ.2 લાખ ચેક મારફતે આપ્યા હતા. આમ કટકે કટકે બધાને રૂ.7.67 લાખની ઓનલાઇન, રોકડ તેમજ ચેકથી રકમ ચૂકવવા છતાં આજ દિન સુધી ન તો પ્લોટ લઇ આપ્યો ન તો ગાય-ભેંસ લઇ આપી. અનેક વખત કહેવા છતાં કોઇ યોગ્ય જવાબ નહિ આપતા બધાએ ભેગા મળી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.