રાજકોટ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચોરી લૂંટ સહિતના ગુના આચરતી ગેંગ અંગે પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન તેમજ ટેક્નિકલ સોર્સીસ આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં સંડોવાયેલ દાહોદની ગેંગ હોવાની માહિતી મળતા રાજકોટ ગ્રામ્ય LCB ટીમે સતત 12 દિવસ દાહોદ વિસ્તારમાં રહી ગેંગના 8 પૈકી બે શખસો સુભાષ ઉર્ફે સોબો ઉર્ફે સુભમ ભાભોર (ઉ.વ.27) અને ગોરો ઉર્ફે કૈલાશ મોહનીયા (ઉ.વ.25)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જયારે બાકીના 6 શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ચડ્ડી બનિયાન ગેંગ તરીકે જાણીતી 8 શખસોની ગેંગ દ્વારા રાજ્યભરમાં 25થી વધુ ગુનાઓ આચરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવી રહ્યા છે અને ચાર જેટલા આરોપીઓ ઉપર ગુજસીટોક હેઠળ પણ ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે. જામીન પર મુક્ત થઇ આરોપીઓ કોર્ટ મુદત સમયે આવી બાદમાં દિવસ દરમિયાન રેકી કરી રાત્રીના સમયે ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ચોરી લૂંટ જેવા ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લના પડધરી અને વાવડી GIDCમાં લૂંટ, ચોરી આચરનાર ગરબાડા ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી સુભાષ ઉર્ફે સોબો ઉર્ફે સુભમ નવરીયા રસુલ ભાભોર (ઉ.વ.27) અને ગોરો ઉર્ફે કૈલાશ વરસીંગ ફુલજી મોહનીયા (ઉ.વ.25)ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ગેંગ સાથે સંકડાયેલ અન્ય આરોપી રાજુ સવસીંગ બારીયા, ભરત બાદરસીંગ પલાસ, રાકેશ રાળીયા પલાસ, જયંતી ઉર્ફે જેન્તી જવસીંગ પલાસ, પ્રકાશ દીતીયા પલાસ, મડીયા ઉર્ફે સંજય તીતરીયા બામણીયા ફરાર થઇ જતાં તેની શોધખોળ હાથ ધરી છે.