કોર્ટ કેસોમાં ફસાયેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી ઘરમાં પણ વધી રહી છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પના પરિવારમાં તિરાડ પડી ચૂકી છે. આ જ ઘટનાક્રમમાં તેમનાં પત્ની અને દીકરી પણ તેમનાથી અંતર જાળવી રહ્યાં છે. તિરાડના સંકેત છેલ્લા કેટલાક દિવસથી મળી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં જ્યારે ટ્રમ્પ દ્વારા પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ મામલામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી ત્યારે તેમનાં પત્ની મેલાનિયા નજરે પડ્યાં ન હતાં. વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પનાં એડવાઇઝર તરીકે રહેલી દીકરી પણ તેમની સાથે ન હતી. ધ ગાર્ડિયનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે ઇવાન્કા ટ્રમ્પના સલાહકાર તરીકે મામલામાં રસ દર્શાવી રહી નથી.
ટ્રમ્પ પાંચ બાળકોના પિતા છે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર, ઇવાન્કા, એરિક, ટિફની અને બેરનનો સમાવેશ થાય છે. 28 વર્ષીય ટિફની ટ્રમ્પનાં બીજાં પત્ની મારલા મેપલ્સની દીકરી છે. ટિફની વકીલ છે. 24 વર્ષ પહેલાં મેપલ્સે છૂટાછેટા લીધા હતા. ટિફની માતાની સાથે કેલિફોર્નિયામાં રહે છે.
ટ્રમ્પનો પૂર્વ વકીલ સામે કેસ, 4100 કરોડની માગ
ટ્રમ્પે પોતાના પૂર્વ વકીલ માઇકલ કોહેનની સામે કેસ દાખલ કરીને 4100 કરોડ રૂપિયાની માંગણી કરી છે. ટ્રમ્પનો આક્ષેપ છે કે કોહેને એટર્ની અને ક્લાઇન્ટની વચ્ચે થયેલી ગુપ્ત સમજૂતીનો ભંગ કર્યો છે. કોહેન તેમની સામે ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે. જેના કારણે પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયું છે.