રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સૂકા મરચાંનું વાવેતર અને ઉપજ બન્ને સારી રહેતા આવક સિઝન કરતા વહેલી અને વિપુલ પ્રમાણમાં થઈ રહી છે. રાજકોટ યાર્ડમાં હાલ સૂકા મરચાંની આવકનો ભરાવો થઈ ગયો છે.જેને કારણે નવી આવક સ્વીકારવાની બંધ કરવામાં આવી છે. યાર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે જ્યાં સુધી પડતર માલનો નિકાલ ન થાય ત્યાં સુધી નવી આવક સ્વીકારવામાં આવશે નહિ. તો બીજીબાજુ હવે સિંગતેલ ભરવાની સિઝન પૂરી થવાની તૈયારીમાં છે. ત્યારે તેમાં ખરીદી-વેચાણ બન્નેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.જેને કારણે ગુરુવારે તેલમાં નજીવી વધ-ઘટ જોવા મળી હતી.
ગુરુવારે સિંગતેલનો ભાવ રૂ.2615 રહ્યો હતો. જે બુધવારની સરખામણીએ રૂ.15 ઓછો હતો. જ્યારે કપાસિયા અને અન્ય સાઇડ તેલમાં સ્થિર વલણ જોવા મળી રહ્યું છે. વેપારીઓના જણાવ્યાનુસાર શનિવાર સુધી મુખ્ય તેલમાં વધ-ઘટ જોવા મળશે. ત્યારબાદ ભાવની સપાટી જળવાઈ રહેશે. ગુરુવારે જાડી અને ઝીણી બન્ને મગફળીની આવક 900 ક્વિન્ટલ રહી હતી અને ભાવ રૂ.1130થી 1350 સુધીનો રહ્યો હતો. માર્ચ મહિનો શરૂ થતા જીરુંની નવી આવક થવાની સંભાવના છે. જીરુંનો ભાવ રૂ.5થી 6 હજાર જળવાયેલા રહે તેવો અંદાજ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.