ભારત સહિત સમગ્ર વિશ્વમાં તા.18 એપ્રિલને “વર્લ્ડ હેરિટેજ ડે’ તરીકે મનાવવામાં આવે છે. 100 વર્ષથી વધુ જૂની ઈમારતોને રક્ષિત સ્મારકો ગણવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લામાં આવા 11 રક્ષિત સ્મારકો આવેલા છે અને સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં કુલ 197 રક્ષિત સ્મારકો આવેલા છે. આ સ્મારકોની જાળવણી અને તેનું રક્ષણ કરવા માટે આજના દિવસે ખાસ સંકલ્પ લેવામાં આવે છે.
યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા સૌથી પહેલાં 1983માં ઉજવણીની શરૂઆત થઇ હતી. ત્યારબાદ દર વર્ષે અનેક વિષયોને અનુલક્ષીને આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્લ્ડ હેરિટેજ ડે દર વર્ષે જુદી જુદી થીમ ઉપર ઉજવાય છે. વર્ષ 2023ની થીમ “વર્કિંગ ઓન ધ ફ્યુચર” રાખવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં સુપેડીના મંદિરો, ખંભાલિડાની ગુફાઓ વગેરેનો સમવેશ થાય છે. જ્યારે રાજકોટ શહેરમાં ઐતિહાસિક સ્મારકોમાં કબા ગાંધીનો ડેલો, જ્યાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો તે આલ્ફ્રેડ હાઈસ્કુલ, જામટાવર, બેડી નાકા ટાવર, રૈયાનાકા ટાવર સહિતના રાજશાહી સમયના ટાવરોનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં આવેલા દરબારગઢના મ્યુઝિયમની કાયાપલટ થઇ રહી છે. રાજ્યમાં પાટણની રાણકી વાવ, ચાંપાનેર અને ધોળાવીરા એ ત્રણ વિશ્વ કક્ષાના હેરિટેજ પ્રવાસન સ્થળો છે.
રાજકોટના વિવિધ રક્ષિત અને સાંસ્કૃતિક સ્મારકોના રખરખાવ માટે 1984થી કાર્યરત સંસ્થાનું નામ છે ઈન્ટેક. જે મુખ્યત્વે વારસામાં મળેલા ધરોહરોનું સંરક્ષણ, સંચાલન, તે અંગેનું શિક્ષણ અને જાગૃતિ હિમાયત વગેરે પ્રવૃત્તિ કરે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ અને ધરોહરોનું સંવર્ધન કરી તેના સંશોધકીય દસ્તાવેજીકરણ સાથે ધરોહરની સાચવણી અંગે તાલીમ વગેરે છે.