ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની ભરતી જ ગેરકાયદે હોવાની હવે સીએમઓમાં ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના રાષ્ટ્રીય સંયોજક ભાવિન સોલંકીએ સીએમઓમાં ફરિયાદ કરી ડૉ. અમી ઉપાધ્યાયની નિમણૂકની કાયદેસરતા ચકાસવા માંગણી કરી છે. આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની ભરતી જ ગેરકાયદે છે પરંતુ છતાં તેમને કુલપતિ બનાવી દેવાયા છે.
જો કે આ સમગ્ર વિવાદને અત્યાર સુધીમાં બે સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં શિક્ષણ વિભાગે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા આખરે હવે આ સમગ્ર વિવાદ સીએમઓ સુધી પહોંચ્યો છે. એનએસયુઆઈના રાષ્ટ્રીય સંયોજક ભાવિન સોલંકીએ સીએમઓમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડો.અમી ઉપાધ્યાયની અંગ્રેજી ભવનમાં પ્રોફેસર નિયુક્તિ થયેલી છે. તેઓની નિયુક્તિ વખતે પ્રોફેસરની લાયકાતમાં 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ, પીએચ.ડી.ના ગાઈડ હોવું સહિત યુ.જી.સી. મુજબના લાયકાતના ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા.
યુનિવર્સિટીની નિષ્ણાતોની પહેલી કમિટી તા.5/12/2012ના રોજ મળી હતી, જેમાં તજજ્ઞ તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અંગ્રેજી વિષયના જ પ્રોફેસર એક સભ્ય તરીકે હતા. જેમાં અમી ઉપાધ્યાયને ‘નોટ ક્વોલિફાઈડ’ જાહેર કર્યા હતા. ત્યારબાદ 11/3/2013ના રોજ જુદા લોકોને બોલાવીને અમી ઉપાધ્યાય લાયકાત ધરાવે છે તેવો રિપોર્ટ લેવામાં આવ્યો. તો સત્વરે આ અંગે તપાસ કરી રેકોર્ડ કબજે લઈ તેઓના કાર્યકારી કુલપતિના હોદા પરથી દૂર કરવા જોઈએ. જેથી હોદાનો દુરુપયોગ કરી રેકોર્ડ સાથે ચેડાં ન કરે કે કરાવે. આ ઉપરાંત જ્યારે સમિતિ તપાસ માટે રૂબરૂ બોલાવશે ત્યારે રૂબરૂ આવીને આ બધા જ આધારો ૨જૂ કરી શકું તેમ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.