ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના કથિત કૌભાંડમાં રાજીનામું માગી લેવાયું હોવાની ચર્ચા શરૂ થઈ છે. તેમને કમલમમાં પ્રવેશવા સામે મોવડીમંડળે મનાઈ ફરમાવી હોવાનું પણ પણ જાણવા મળ્યું છે.
પ્રદીપસિંહ વાઘેલાના કથિત કૌભાંડમાં રાજીનામું માગી લેવાયું હોવાની ચર્ચા
ભાજપ સંગઠનમાં ચાલી રહેલી ચર્ચા અને પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપમાં પક્ષપ્રમુખથી માંડીને અલગ અલગ હોદ્દેદારો વિરૂદ્ધ ‘પત્રિકા યુદ્ધ’ શરૂ થયા બાદ પક્ષના આંતરિક વિખવાદમાં હવે નવું એક પ્રકરણ ઉમેરાયું છે. સત્તાધારી પક્ષમાં મહત્ત્વની જવાબદારી સંભાળી રહેલા નેતાના એક શૈક્ષણિક અગ્રણી સાથેના કૌભાંડોમાં અમદાવાદ પોલીસે સૂચના આધારે પૂછપરછ કરી કૌભાંડો અંગે માહિતી મેળવી હોવાનો ગણગણાટ શરૂ થયો છે.
જમીન કૌભાંડની પણ ચર્ચા ચાલી રહી
શહેરના રાજકીય વર્તુળમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ભાજપમાં એક મહત્વની જવાબદારી સંભાળી રહેલા યુવા નેતાએ એક પૂર્વ શૈક્ષણિક અગ્રણીને તેમના કાર્યકાળ દરમિયાન ઘણા કોન્ટ્રાક્ટ અને વિકાસના નામે કામ કરાવ્યાં હતા. જેમાં ગેરલાયક લોકોને પણ કામ અને સત્તા સોંપીને મોટો ભ્રષ્ટાચાર કરાયો હતો. આ સાથે જમીન કૌભાંડની પણ ચર્ચા ચાલી રહી છે. હવે થોડા સમય પહેલાં જ આ યુવા નેતા વિરૂદ્ધ પત્રિકા યુદ્ધ શરૂ થયું હતું જેમાં ગંભીર આક્ષેપ કરાયા હતા.
આ પત્રિકામાં થયેલા આક્ષેપોને લઈને શહેર પોલીસની એક વિશેષ ટીમ પૂર્વ શૈક્ષણિક અગ્રણીને પાંચેક કલાક પોતાની ઓફિસમાં બેસાડીને પૂછપરછ કરી હતી. આ પૂછપરછ પણ યુવા નેતાના કહેવાથી જ થઈ હોવાની ચર્ચા છે. જેની જાણ ગાંધીનગરથી માંડીને દિલ્હી સુધી થતા રાજ્ય પોલીસના સિનિયર અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.